સાયબર ઠગોએ નકલમાં પણ અકલ ન વાપરી, ધારાસભ્ય શૈલેષ મહેતાની ત્રીજી વાર ફેક પ્રોફાઈલ બનતા પોલીસ ફરિયાદ નોંધાવી
દેશભરમાં સેલીબ્રીટીઓ અને નેતાઓના નામથી ખોટા પ્રોફાઈલ બનાવીને લોકો સાથે ઠગાઈ કરવાનો નવો કીમિયો સાયબર ઠગોએ શોધી લીધો છે.
જયારે આ પૈકી કેટલાક હેકરો સોશ્યલમીડિયા પ્રોફાઈલ જ હેક કરી લેતા હોય છે. તાજેતરમાં પૂર્વ વિસ્તારના એક નગરસેવકનું ફેસબુક પેજ હેક થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જયારે હવે ડભોઇ ધારાસભ્યના નામથી ફેક ફેસબુક પ્રોફાઈલ બન્યા હોવાની જાણ થતા તેઓએ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાને ગત રોજ જાણ થઇ હતી કે તેઓના નામથી અને તેઓના સોશ્યલ મીડિયા પર મુકેલા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને કોઈ સાયબર ઠગ દ્વારા ફેસબુક પ્રોફાઈલ બનાવવામાં આવી છે. જે માહિતી મળતાની સાથે જ તેઓએ પોતાના કાર્યકરો અને ફોલોવર્સને ફેસબુક પર પોસ્ટ મુકીને આ ફેક એકાઉન્ટથી સાવધાન રેહેવા તાકીદ કરી હતી.
જે બાદ આજે તેઓએ ઘટના અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, સાયબર ઠગોએ આ ત્રીજી વાર તેઓના નામથી ફેસબુક પ્રોફાઈલ બનાવી છે. જ્યાં નામમાં શૈલેષ સોટ્ટા એમ.એલ.એ એમ લખતા હતા. જયારે આ વખતે તો સાયબર ઠગોએ નામ લખવામાં પણ સ્પેલિંગ મિસ્ટેક કરી છે. વારંવાર ફેક પ્રોફાઈલ બનતા હોવાથી આ વખતે તેની પોલીસ ફરિયાદ આપવાનું નક્કી નક્કી કર્યું છે. ફેક પ્રોફાઈલ બનાવીને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવામાં આવે છે. અને ત્યાર બાદ રૂપિયાની માંગણી કરાય છે. જેમાં ધારાસભ્યના નામથી કોઈ સામાન્ય નાગરિક કે ફોલોવર્સ છેતરાય નહિ તે માટે સાયબર ઠગને પકડી પાડવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.