Vadodara

વડોદરામાં પાણી માટે પોકાર: વાઘોડિયા રોડના ‘સાહિત્ય ગ્રીન ફ્લેટ’ના રહીશોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ધાર!

Published

on

  • સ્થળ: સાહિત્ય ગ્રીન ફ્લેટ, વાઘોડિયા રોડ, વડોદરા.
  • સમસ્યા: છેલ્લા 3 વર્ષથી પીવાના શુદ્ધ પાણીનો અભાવ.
  • આર્થિક બોજ: ટેન્કર પાછળ દર મહિને 3 લાખનો ખર્ચ સંભવ.
  • ચીમકી: આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર.

વડોદરામાં ઉનાળાની દસ્તક સાથે જ જળ સંકટ ઘેરું બન્યું છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ‘સાહિત્ય ગ્રીન ફ્લેટ’ના 212 પરિવારો છેલ્લા ત્રણ વર્ષથી ટીપે-ટીપે પાણી માટે તરસી રહ્યા છે. શુદ્ધ પાણીના અભાવે ખારું પાણી વાપરવા મજબૂર બનેલા રહીશોમાં હવે તંત્ર અને બિલ્ડર સામે આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો છે. રોષે ભરાયેલા રહીશોએ હવે ‘પાણી નહીં તો વોટ નહીં’ના નારા સાથે આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

  • ત્રણ વર્ષથી હાલાકી: વાઘોડિયા રોડના સાહિત્ય ગ્રીન ફ્લેટમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારો માટે પાણીની સમસ્યા માથાનો દુખાવો બની છે. રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડર રિતેશભાઈએ 24 કલાક શુદ્ધ પાણીના વાયદા કર્યા હતા, પરંતુ આજે સ્થિતિ એવી છે કે પીવા માટે પણ પાણી નથી.
  • આરોગ્ય સામે જોખમ: જે પાણી મળી રહ્યું છે તે અત્યંત ખારું છે. જેના કારણે બાળકો અને વૃદ્ધોમાં ચામડીના રોગો અને વાળ ખરવાની ફરિયાદો વધી રહી છે. મહિલાઓને ઘરકામ માટે પાણી ન મળતા રોજીંદી જિંદગી દુષ્કર બની ગઈ છે.
  • મોંઘું પાણી: જો સોસાયટી ટેન્કર મંગાવે તો મહિને આશરે 3 લાખ રૂપિયા જેવું તોતિંગ બિલ આવે તેમ છે, જે સામાન્ય પરિવારો માટે અશક્ય છે.
  • ચૂંટણી બહિષ્કારની ચીમકી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે રહીશોનો પારો સાતમા આસમાને છે. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “વોટ માંગવા આવતા નેતાઓ પાયાની જરૂરિયાત પૂરી નથી કરી શકતા, તો અમે મતદાન શા માટે કરીએ?” જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આખી સોસાયટી ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો મક્કમ નિર્ધાર કરી ચૂકી છે.

🧐તંત્ર અને બિલ્ડરની આડોડાઈને કારણે 200થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હવે જોવાનું એ રહેશે કે ‘સ્માર્ટ સિટી’ વડોદરાનું વહીવટી તંત્ર આ રહીશોની તરસ છિપાવે છે કે પછી ચૂંટણીમાં રહીશોનો આક્રોશ નેતાઓ પર ભારે પડે છે.

Trending

Exit mobile version