- કેબિનમાં બેસીને જંત્રી નક્કી કરવામાં આવી છે, વૈજ્ઞાનિક રીતે વધુ વેલ્યુએશન અને ઓછા વેલ્યુએશનના દસ્તાવેજો જ સાચી જંત્રી હોઇ શકે
રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં સૂચિત વધારા સામે વડોદરા મેદાને આવ્યું છે. અને સયાજીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં ભેગા મળીને મોરચા સ્વરૂપે તમામ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. અને ગણતરીના લોકોએ જિલ્લા કલેક્ટરને મળીને આવેદન પત્ર આપીને પોતાની માંગ રજૂ કરી છે. જંત્રીમાં 2 હજાર ટકાનો વધારો કરવાની વાતનો તમામે એકસૂરે વિરોધ કર્યો છે. અને તેને તાત્કાલિક પરત લેવા માટે માંગ કરી છે.
વડોદરા ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલે જણાવ્યું કે, જે રીતે વર્ષ 2023 માં જંત્રી લાગુ થઇ છે. એક વર્ષ જેટલા સમયમાં ફરીથી મસમોટો ધરખમ ભાવવધારો કરાયો છે. વર્ષ 2011 માં છેલ્લી જે જંત્રી હતી, તેના કરતા 2 હજાર ટકા સુધીનો વધારો થયો છે. આ વધારો છે, તેની અસર સામાન્ય પ્રજાજનો પર પડવા જઇ રહી છે. આ ધરખમ વધારો સરકારે પરત ખેંચવો જોઇએ. અને રીયાલીસ્ટીક જંત્રીની ઝોનવાઇઝ ગણતરી કરીને બહાર પાડવી જોઇએ. તેનો વિરોધ નોંધાવવા માટે ક્રેડાઇ વડોદરા, અસરગ્રસ્ત ખેડુતો તથા અન્ય મોટી સંખ્ચામાં વિરોધમાં જોડાયા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી સાથે જે મીટિંગ થઇ છે, તેમાં તેમણે વિસંગતતાઓ, જે વિસ્તારોની જંત્રીમાં ધરખમ વધારો થયો છે, તેના પર નવેસરથી વિચારણા કરવાની હૈયાધારણા આપી છે. ત્યાર બાદ જ જંત્રી લાગુ કરાશે. મુખ્યમંત્રી સાથેની મીટિંગમાં, ખેડૂત ઓનલાઇન વાંધા નોંધાવી ના શકે, તે માટે ઓફલાઇન પણ વાંધા લેવા જોઇએ, અને તેની મુદત વધારવી જોઇએ. અમારી રજુઆતને ધ્યાને લઇને તેનો સમય એક મહિનો લંબાવવામાં પણ આવ્યો છે. પરંતુ રીયાલીસ્ટીક જંત્રી, અને કયા પેરામીટર પર જંત્રી નક્કી થઇ છે, માત્ર એસી કેબિનમાં બેસીને જંત્રી નક્કી કરવામાં આવી છે, તેવું ના હોવું જોઇએ. વૈજ્ઞાનિક રીતે વધુ વેલ્યુએશન અને ઓછા વેલ્યુએશનના દસ્તાવેજોજ સાચી જંત્રી હોઇ શકે, તે રીતે જંત્રીની આકારણી થવી જોઇએ.
ક્રેડાઇ અગ્રણી પ્રિતેશ શાહે જણાવ્યું કે, જંત્રીમાં 2 હજાર ટકાનો આડેધડ વધારો કરવાની વાત છે, તેના અનુસંધાને ખેડૂતો અને બિલ્ડરો એકત્ર થયા છે. આ વધારે તાત્કાલિક રદ્દ કરો. ડેવલોપર્સે બાંધકામક્ષેત્ર બંધ કરી દેવું પડે. બજાર ભાવ નથી, તે જંત્રીનો ભાવ વધારો કરી દીધો છે. દર વર્ષે 10 ટકા ભાવ વધારો હોઇ શકે. ખેડૂતોની નવી શરતની જમીનમાં 10 ઘણાનો ભાવવધારો થઇ જાય છે. અમે હાઇકોર્ટમાં જઇશું, અથવાતો હડતાલ પર જઇશું.