Vadodara

યુનિટી માર્ચ દરમિયાન ટ્રેક્ટર ચલાવવા મુદ્દે ચકમક થતા સર્જાયો વિવાદ!, મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલે રોકડું પરખાવ્યું !

Published

on

વડોદરાના રાવપુરા વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન થયું, જેમાં ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ હાજર રહ્યા.એ દરમિયાન પૂર્વ કાઉન્સિલર વિજય પવારે તેમને ટ્રેક્ટર પરથી ઉતરવા કહ્યું, જે બાદ સ્થળ પર ચકમક સર્જાઈ.

  • માર્ચ દરમિયાન વોર્ડ 16ની મહિલા નગરસેવક સ્નેહલબેન પટેલ સરદાર પટેલની પ્રતિમા સાથેનું ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા.
  • સ્નેહલબેન પટેલે જણાવ્યું કે તેઓ ખેડૂત પરિવારની પુત્રી હોવાથી ટ્રેક્ટર ચલાવવાનું તેમને આવડે છે અને એમાં કોઈ અચકાટ નથી.
  • વિજય પવારે સ્પષ્ટ કર્યું કે ટ્રેક્ટર ઉપરની પ્રતિમા વાયરોથી ન અથડાય એ માટે સાવચેતી રૂપે તેમને નીચે ઉતરવા કહ્યું હતું, કોઈ વાદ નથી થયો.

વડોદરા શહેરમાં ગત રોજ રાવપુરા વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુનિટી માર્ચમાં વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રૂટ પર ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. યુનિટી માર્ચમાં સરદાર પટેલની પ્રતિમા સાથેનું ટ્રેક્ટર વોર્ડ 16ના મહિલા નગરસેવક સ્નેહલબેન પટેલ ચલાવતા હતા તે દરમિયાન પૂર્વ કાઉન્સીલર વિજય પવારે તેઓને ટ્રેક્ટર પરથી ઉતરી જવાનું કહેતા એક સમયે માહોલ તંગ થયો હતો. જોકે સ્નેહલબેન પટેલે વિજય પવારને વળતો જવાબ આપીને ફરી ટ્રેક્ટર ચલાવવાનું શરુ કરી દીધું હતું.

મહિલા નગરસેવક સ્નેહલબેન પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાવપુરા વિધાનસભાના યુનિટી માર્ચ કાર્યક્રમમાં હું શરૂઆતથી ટ્રેક્ટર ચલાવતી હતી. ખેડૂત પુત્રી હોવાથી મને ટ્રેક્ટર આવડે છે અને વર્ષોથી ચાલવું છું. એટલે આ કાર્યક્રમમાં પણ સરદાર પટેલની પ્રતિમા સાથે ચાલતું ટ્રેક્ટર મેં ચલાવ્યું હતું. યુનિટી માર્ચ રાવપુરા GPO પાસે પહોચી એટલે પૂર્વ કાઉન્સિલર વિજય પવાર મારી પાસે આવ્યા અને મને ટ્રેક્ટરથી નીચે ઉતરવા જણાવ્યું, મને લાગ્યું કોઈ કામ હશે એટલે ટ્રેક્ટર થોભાવીને હું નીચે ઉતરી અને તેમની સાથે વાત કરી, વાતમાં તમેણે જણાવ્યું કે, “તમે ટ્રેક્ટર કેમ ચલાવો છો? બીજા કોઈને સોંપી દો, તમારાથી નાં ચલાવાય!” આમ કહેતા જ મેં એમને જણાવી દીધું હતું કે, “સૌથી પહેલું વાહન હું ટ્રેક્ટર શીખી છું. એટલે મને ટ્રેક્ટર ચલાવતા ફાવે છે. તેમ કહીને  હું ફરી ટ્રેક્ટર પર બેસી ગઈ.”

આ સમગ્ર પ્રકરણનો તમાશો હાજર નેતાઓ જોતા રહ્યા અને  યુનિટી માર્ચ આગળ વધતી રહી. જોકે મહિલા કાઉન્સિલરને ટ્રેક્ટર પરથી ઉતારી દેવાની ઘટનાએ શહેરના રાજકારણમાં જોર પકડ્યું છે. જયારે આ અંગે  પૂર્વ કાઉન્સિલર વિજય પવારે જણાવ્યું હતું કે, સલાટવાડાથી સ્નેહલબેન ટ્રેક્ટર ચલાવવા બેઠા હતા. અને હું ટ્રેક્ટરની આગળ ચાલીને ક્યા ટ્રેક્ટર ધીમું કરવું અને ઉભું રાખવું તેનું માર્ગદર્શન આપતો હતો.  આ દરમિયાન સૂર્યનારાયણ બાગ પાસે  વધારે વાયરો હોવાથી  સરદાર પટેલની પ્રતિમા વાયરોમાં ન અડી જાય તે માટે તેમને ટ્રેક્ટર પરથી ઉતારીને ડ્રાઈવરને ટ્રેક્ટર આપી દેવા જણાવ્યું હતું. જોકે થોડે આગળ જઈને તેઓ  પાછા ટ્રેક્ટર ચલાવવા બેસી ગયા હતા. સમગ્ર પ્રકરણમાં કોઈ અકસ્માત ન થાય તેની ચિંતા કરીને એમને ટ્રેક્ટર પરથી ઉતરવા જણાવ્યું હતું. આ ઘટનાને જોનાર લોકોને એમ થયું કે મેં એમને જબરદસ્તી ટ્રેક્ટરપરથી ઉતારી દીધા, પણ અહિયાં કોઈ દુર્ઘટના ન થાય તેની ચિંતા કરીને જ એમને ઉતાર્યા હતા.

Trending

Exit mobile version