- ચીફ ફાયર ઓફિસર માટેનો મૌખિક ઇન્ટરવ્યુ આજે છે. તેની માટે આવ્યો છું. ઇન્ટરવ્યુ આપવો કોઇનો પણ હક છે – નિકુંજ આઝાદ
વડોદરા પાલિકામાં અનેકવિધ પદો માટે હાલ સીધી ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં ચીફ ફાયર ઓફિસર ના પદ માટે દાવેદારી કરવા માટે સસ્પેન્ડેડ ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પણ પહોંચ્યો છે. તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા નો કોમેન્ટ્સ જણાવીને કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું. આ સાથે કુલ 11 જેટલા ઉમેદવારો આજે ચીફ ફાયર ઓફિસરના પદ માટે ઇન્ટરવ્યુ આપવા માટે પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. તે પૈકી એક હાલના ઇન્ચાર્જ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ પણ છે.
વડોદરા પાલિકાના અગાઉના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા ફાયર સૈનિકના બેરહેમીપૂર્વક માર મારવામાં આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ તેની જગ્યાએ નિકુંજ આઝાદને ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાલમાં ચાલતી પાલિકાની ચીફ ફાયર ઓફિસરની સીધી પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાંબા સમય બાદ પાર્થ બ્રહ્મભટ્ટ વડોદરા પાલિકાની કચેરીએ પહોંચ્યો છે. આ તકે મીડિયાએ વાત કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે, સોરી, નો કોમેન્ટ્સ, એક્ચ્યુલી મારો હક છે, હું આપવા આવ્યો છું. હાલના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદએ જણાવ્યું કે, વડોદરા પાલિકામાં ચીફ ફાયર ઓફિસરની જાહેરાત હતી. તેનો મૌખિક ઇન્ટરવ્યુ આજે છે. તેની માટે આવ્યો છું. ઇન્ટરવ્યુ આપવો કોઇનો પણ હક છે. હું પણ તેની માટે જ આવ્યો છું.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે, પાલિકામાં વિવિધ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. અને તેમાં પણ ફાયર વિભાગમાં પણ ભરતી છે. જેમાં ચીફ ફાયર ઓફિસરના પદ માટે 10 જેટલા લોકોના ઇન્ટરવ્યુ કરવામાં આવી રહ્યા છે. અમારી તજજ્ઞોની કમિટી ઇન્ટરવ્યુ લઇ રહી છે. નિયમમુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પાર્થ બ્રહ્મભટ્ટ અથવા અન્ય સામે કોઇ કાર્યવાહી થઇ હોય, જેમણે ઇન્યરવ્યુ માટે એપ્લાય કર્યું છે, તેમની વિગતો ચકાસવાની હોય છે, તેની માટે જ ઇન્ટરવ્યુ કરવામાં આવે છે. ઇન્ટરવ્યુ આપવો તેમનો હક છે, જેથી તેઓ આપે છે, બાદમાં નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.