વડોદરા મહાનગર પાલિકા દ્વારા દિવાળી પહેલાં શહેરના તમામ રસ્તાઓના ખાડા પુરા કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. સરકારના નિર્દેશ બાદ ચારેય ઝોન તથા રોડ પ્રોજેક્ટ શાખાની ટીમોએ મળી ખાડા પુરવાની કામગીરી હાથ ધરી છે.મ્યુનિસિપલ કમિશનરે આ માટે સખત આદેશ આપ્યો છે અને જો તંત્ર સમયસર કામ ન કરી શકે તો ખાનગી કોન્ટ્રાક્ટરોને કામમાં લગાડવા પણ સૂચના આપી છે. આ કાર્યક્રમ અંતર્ગત બજારો અને મુખ્ય માર્ગો પરના ખાડા પૂરવાનો અને રોડ રિસર્ફેસિંગનો સમાવેશ છે.
આ મુજબ છે મહત્વના આંકડા
- અગાઉ દૈનિક 300 મેટ્રિક ટન સુધી ખાડા પુરવાની કામગીરી થતી હતી.
- હાલ આ કામગીરીમાં ત્રિગુણ વધારો કરીને કુલ 1500 મેટ્રિક ટન પ્રતિદિન કામગીરી શરૂ કરાઈ છે.
- પશ્ચિમ ઝોનમાં 600 મેટ્રિક ટન, જ્યારે પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં 300-300 મેટ્રિક ટન મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે.
- અટલાદરા હોટમીક્સ પ્લાન્ટ પરથી 15 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની વચ્ચે રોજ સરેરાશ 300 મેટ્રિક ટન મટીરીયલ ઉપયોગમાં લેવાતો હતો.
જ્યારે 15 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર દરમિયાન દરરોજ સરેરાશ 1100 મેટ્રિક ટન સુધીની કામગીરી થઈ છે.આ રીતે દિવાળી પૂર્વે શહેરના મુખ્ય માર્ગો પરના ખાડા પુરવાનુ ટાર્ગેટ ઝડપથી પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.