સ્વચ્છતાના નિયમોની ‘એસી-તૈસી’:શહેરના માર્ગો પર રાજકીય પ્રચાર પત્રકોનો અંબાર; તંત્રની કડક કાર્યવાહી માત્ર સામાન્ય પ્રજા પૂરતી જ?
ચર્ચાનો વિષય: “શું સ્વચ્છતાના કાયદા નેતાઓ અને પક્ષોને લાગુ નથી પડતા?”—નાગરિકોમાં રોષ.
તંત્રની કામગીરી પર સવાલ:સ્વચ્છતા અભિયાનના નામે માત્ર દેખાવો કે પછી સમાન કાયદાનો અમલ? VMC ની કામગીરી સામે ઉઠતા ગંભીર પ્રશ્નો.
વડોદરા: એક તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) શહેરને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છતા અભિયાનના નામે સામાન્ય નાગરિકો પાસેથી લાખોનો દંડ વસૂલી રહી છે. લગ્નના વરઘોડા કે અન્ય પ્રસંગોમાં રસ્તા પર કચરો ફેલાવવા બદલ પણ નાગરિકોને દંડવામાં આવે છે. પરંતુ, જ્યારે શહેરની સડકો પર રાજકીય પક્ષોની રેલીઓ નીકળે છે, ત્યારે આ જ કાયદાઓ જાણે ‘ગાયબ’ થઈ જાય છે!
🧐રેલીઓમાં નિયમોનો ભંગ:
શહેરમાં તાજેતરમાં નીકળેલી વિવિધ રાજકીય રેલીઓ બાદ જાહેર માર્ગોની હાલત ગંદકીથી ખદબદી ઉઠી છે. કાર્યકર્તાઓ દ્વારા બેફામ રીતે પ્રચાર પત્રકો અને સાહિત્ય રસ્તા પર ફેંકી દેવામાં આવે છે, જેનાથી શહેરની સુંદરતા પર ગ્રહણ લાગે છે. જે VMC ના સત્તાધીશો સ્વચ્છતા માટે મોટા દાવા કરે છે, તે જ સત્તાધીશોની રેલીઓમાં નિયમોનું આટલું મોટું ઉલ્લંઘન થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
🗣️સામાન્ય નાગરિકોનો આક્રોશ:
આ બાબતે હવે વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નાગરિકો પ્રશ્ન કરી રહ્યા છે કે, શું સ્વચ્છતાના નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ છે? જો સામાન્ય નાગરિક કચરો કરે તો દંડ અને નેતાઓ કે રાજકીય પક્ષો રેલીમાં રસ્તાઓ ગંદા કરે તો તેમની સામે કેમ કોઈ પગલાં નહીં?
🫵સ્વચ્છતા એ દરેક નાગરિકની જવાબદારી છે, પણ તે જવાબદારીનો અમલ કરાવનાર તંત્ર પોતે જ પક્ષપાતી વલણ અપનાવે તો તે લોકશાહીમાં કેટલું યોગ્ય? VMC ના સત્તાધીશો હવે આ બાબતે કડક વલણ અપનાવશે કે પછી આ જ બેવડા માપદંડ ચાલુ રહેશે?