“વડોદરા જીલ્લા પંચાયતમાં હું સમાજ સેવા કરવા આવું છું, પહેલા હું ST બસમાં પોતાના ખર્ચે આવતો હતો. મારે કોઈ પેટ્રોલપંપ નથી, કોઈ ઉપરની આવક નથી!” આ વાત જીલ્લા પંચાયતની લોબીમાં એક અતિપ્રમાણિક “પુરવણી ફેમ” જીલ્લા પંચાયત સદસ્યની સુફિયાની વાતો ઘણા લોકોએ સાંભળી છે. આજે આ જીલ્લા પંચાયત સદસ્ય સામે ડભોઇના એક ઇજારદારે ગંભીર પ્રકારના આક્ષેપો- આરોપો લગાવ્યા છે. શેફ્રોનપોશની યારી-દારી અને વારીની પોલ ખુલી ગઈ છે.
ડભોઇના ઇજારદાર અંજેશ પટેલને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ મારમારીનું કારણ પૂછતાં તેઓ દ્વારા જણાવ્યુ હતું કે, તેઓ ડભોઇ તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં બાંધકામ અને વિકાસના કામો કરે છે. જે કામગીરી તેઓ વર્ષોથી કરતા આવ્યો છું. થોડા સમય પહેલા આ કામગીરીમાં જીલ્લા પંચાયતના અતિપ્રમાણિક છબી દર્શાવતા સભ્યને પોતાના માણીતા ઇજારદારને કામ મળે તે માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે હું જે ગ્રામ પંચાયતમાં કામ કરતો હતો ત્યાં તેઓએ સરપંચોને ધમાવતા મેં તેનો વિરોધ કર્યો હતો.
જે ઇજારદારને તેઓ કામ સોંપવા માંગતા હતા તે ઇજારદાર સાથે તેઓની ટકાવારી નક્કી હતી! જેથી મારા બદલે તેમનો ઇજારદાર કામ કરે તે માટે ધમપછાડા શરૂ કર્યા હતા. આ અંગે મેં યોગ્ય પ્લેટફોર્મ પર રજુઆત કરતા તેઓને માઠું લાગ્યું હતું. અને મારા ભાઈને ફોન કરીને “હાથ તો તૂટેલો છે,ટાંટિયા પણ તોડી નાંખીશ”તેવી ધમકી આપી હતી.
ધમકી આપ્યાના 3 દિવસ બાદ તાલુકા પંચાયતની કચેરીમાં અચાનક તાલુકા પંચાયત પ્રમુખ અને 5-6 અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે ડભોઇ પોલીસ મથકે ફરિયાદ આપી છે.
આ અંગે “અતિ પ્રમાણિક” છબીનો ડોળ કરતા જીલ્લા પંચાયત સભ્યનો ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી,પણ તેઓએ ફોનનો કોઈ જવાબ આપ્યો નથી.
મહત્વનું છે કે, ડભોઇ તાલુકામાં યારી-દારી-વારીની ગોઠવણ આ લડાઈ વચ્ચે ખુલ્લી પડી ગઈ છે. સમાજ સેવાની વાત કરતા અને સ્વખર્ચે રાજકારણમાં આંટાફેરા કરતા નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક યારી-દારી-વારીમાં રચ્યાપચ્યા રહે છે!