એક સમયે વડોદરા શહેરને ગૌરવ અપાવનાર પઠાણ બંધુઓ પૈકીના યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી જીતી જતા હવે વડોદરા ભાજપના સત્તાધીશોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. એક સપ્તાહ પૂર્વે શહેરના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ યુસુફ પઠાણ વિરુદ્ધની એક ફેસબુક પોસ્ટ કરી હતી. જ્યારે હવે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર દ્વારા યુસુફ પઠાણ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાની આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
વર્ષ 2012માં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુસુફ પઠાણ દ્વારા વડોદરા મહાનગરપાલિકા પાસે સરકારી જમીન વેચાણ થી માંગણી કરી હતી. આશરે 978 ચોરસ મીટર જેટલી સરકારી જમીન માટે પ્રતિ ચોરસ મીટર 57,270 નું પ્રીમિયમ ભરવાની તૈયારી પણ ક્રિકેટર યુસુફ પઠાણે દર્શાવી હતી.
ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વનું સ્થાન ધરાવતા હોય જે તે સમયના ભારતીય જનતા પાર્ટીના પાલિકાના સત્તાધીશો દ્વારા આ જમીન આપવા માટે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્તને અંતિમ મંજૂરી માટે રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં વર્ષ 2014માં રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી. દરખાસ્તના મંજૂર કરાઈ હોવા છતાંય તાંદલજા વિસ્તારમાં પઠાણ બંધુઓના નિવાસ્થાની બાજુમાં આવેલા પ્લોટ પર ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા કબજો કરી લઈને તબેલો બાંધી દીધો હોવાના આક્ષેપ પૂર્વ કાઉન્સિલર વિજય પવાર દ્વારા કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે પાલિકા દ્વારા યોગ્ય તપાસ કરીને તૃણમુલ કોંગ્રેસના સાંસદ તેમજ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા કોર્પોરેશનના પ્લોટ પર કરાયેલા કબજાને ખાલી કરાવીને પ્લોટ પાછો લેવાની માંગણી પૂર્વ નગરસેવક વિજય પવારે કરી છે.