- અભયમ ની ટીમે અસરકારક કાઉન્સિલીંગ કરતા આખરે યુવકને પોતાની ભૂલનું ભાન થયું
મોબાઇલ આપણા જીવનનો મહત્વનો અંગ બની ગયો છે. ખાસ કરીને સ્માર્ટ ફોન આવ્યા બાદ કોઇ પણ ઉંમરનાને તેની જાણ બહાર તેનું વળગણ લાગવું કોઇ નવી વાત નથી રહી. આ વચ્ચે શાળાએ જતા વિદ્યાર્થીનો મોબાઇલ ફોનમાં ગેમનું એવું વળગણ લાગ્યું કે, તેણે ભણવાનું અને શાળાએ જવાનું જ છોડી દીધું. તેને માતા-પિતા કંઇ કહે તો તે તેમની વાતને રીતસરની અવગણના કરતો હતો. આખરે પુત્રના વ્યવહાર અને વર્તનથી ત્રસ્ત માતા-પિતાએ અભયમની ફોન કરીને મદદ માંગી હતી. અભયમ ની ટીમે અસરકારક કાઉન્સિલીંગ કરતા આખરે યુવકને પોતાની ભૂલનું ભાન થયું હતું. અને તેણે મોબાઇલનું વળગણ છોડવાની તૈયારી દર્શાવી હતી.
વડોદરામાં નાની ઉંમરે મોબાઇલના વળગણનું ઘેલું લાગવાના કિસ્સાઓ સપાટી પર આવવા ધીરે ધીરે સામાન્ય બની રહ્યું છે. ત્યારે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પરિવારનું સંતાન ધો. 8 માં ભણે છે. તેને મોબાઇલમાં ગેમ રમવાની લત લાગી ગઇ છે. મોબાઇલમાં ગેમ રમવા સિવાયના સમયે તે યુ ટ્યુબ પર ગેમ રમવા માટેના વીડિયો જોતો હોય છે. સ્વભાવે જીદ્દી થઇ ગયેલા સંતાનને સમજાવવાના અનેર પ્રયત્નો નિષ્ફળ જતા આખરે માતા-પિતા અભયમની મદદ માટે ફોન કરે છે.
કોલ કરતા અભયમની ટીમ સ્થળ પર પહોંચે છે. અને સ્થિતી જાણવાનો પ્રયત્ન કરે છે. તેવામાં તેમના ધ્યાને આવ્યું કે, વિદ્યાર્થી મોડી રાત સુધી મોબાઇલમાં ગેમ રમ્યા કરે છે. તે મોડો ઉંઘે છે. તેને શાળાએ જવાનું ગમતું નથી. અને ગેમર બનવાનું હોવાથી એક માસથી તેણે શાળાએ પણ જવાનું બંધ કર્યું છે. આખરે અભયમની ટીમે બાળકનું અસરકારક કાઉન્સિલીંગ કરતા તેને જણાવ્યું કે, ગેમ રમવવાથી અભ્યાસ પર ખરાબ અસર પડી શકે છે. સામાજિક કુશળતા બગડે છે. ખાવા-પીવાનું ભૂલી જવાથી અને શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થવાના કારણે હ્રદય રોગ અને માંસપેશીઓની સમસ્યા થવાની સંભાવનાઓ પણ રહેલી છે. આમ, અનેકવિધ મુદ્દાઓને લઇને તેને સમજ આપવામાં આવી હતી.
આખરે વિદ્યાર્થીએ મોબાઇલ ગેમ નહી રમવા, તથા યુ ટ્યુબ પર સમય વેડફવાની જગ્યાએ શાળાએ જઇને અભ્યાસ કરવાની તૈયારી દાખવી હતી. સાથે અભયમની ટીમે માતા-પિતાને જણાવ્યું કે, બાળક જોડે શાંતિપૂર્વક વાત કરવી. તેને સમય આપવો અને તેને અન્ય પ્રવૃત્તિઓમાં પરોવવો જોઇએ.