વડોદરામાં આવેલા ઐતિહાસીક પૂરની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકારની ટીમ વડોદરાની મુલાકાતે આવી પહોંચી છે. ટીમ દ્વારા વડોદરાના જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તથા વિકાસ અધિકારી સાથે બંધ બારણે બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટીમ દ્વારા વિશ્વામિત્રી તથા અન્ય નદીઓ, કાંસ સહિતની ઝીણવટભરી માહિતી મેળવવામાં આવશે. ત્યાર બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
તાજેતરમાં વડોદરાવાસીઓ ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવ્યા છે. વડોદરામાં પૂર પાછળ વિશ્વામિત્રી નદી અને કાંસ પરના દબાણો હોવાની પ્રબળ લોકચર્ચા ચાલી રહી છે. વડોદરાવાસીઓ ફરી પૂરની પરિસ્થિતીમાં ના ફસાય તે માટે વૈકલ્પિક માર્ગ કાઢવા અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. તેવામાં આજે કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર વિભાગની ટીમ વડોદરાની મુલાકાતે આવી પહોંચી છે.
વડોદરામાં પૂર આવવાના કારણે કરોડો રૂપિયાનું નુકશાન લોકોને પહોંચ્યું હોવાનું અનુમાન છે. કેન્દ્ર સરકારની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટર બિજલ શાહ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને વિકાસ અધિકારી મમતા હિરપરા સાથે બંધ બારણે બેઠક યોજવામાં આવી છે. આ બાદ ટીમ વિશ્વામિત્ર નદી, ઢાઢર નદી, અને વરસાદી કાંસ થકી વડોદરામાં ફરી વળેલા પૂરના પાણી અંગે ચર્ચા-વિચારણા કરશે.
સુત્રોએ ઉમેર્યુૂં કે, ટીમ આજવા સરોવ, પ્રતાપપુરા સરોવર તથા વિશ્વામિત્રી નદી અંગે ઝીણવટભરી માહિતી એકત્ર કરશે. ત્યાર બાદ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હવે આ ટીમની મુલાકાત બાદ શું સામે આવે છે તે જોવું રહ્યું.