સિંગાપોરમાં લેબર સપ્લાય કરવાના નામે વડોદરાના કોન્ટ્રાક્ટર સાથે 38 લાખની છેતરપિંડી..
- ઓક્ટોબર 2023 માં આશિષ મિસ્ત્રીએ સિંગાપુરમાં 30 લેબર સપ્લાય કરવા માટે મારી પાસે લેબરોની ડિટેલ મેળવી
- આશિષ મિસ્ત્રીએ મને એક લેબર દીઠ 1.20 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહ્યું
- વિદેશ પહોંચે એટલે 50% રકમ પરત આપશે અને કામદારને 80000 સેલરી મળશે.
વડોદરાના એક કોન્ટ્રાક્ટર સાથે સુરતના ભેજાબાજે વિદેશમાં લેબર સપ્લાય કરવાના નામે 38 લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાનો બનાવ બનતા સમા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
શહેરના છાણી જકાતનાકાની શિવમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ લખમાણીએ પોલીસને કહ્યું છે કે, મારી સાઈટ પર મિસ્ત્રી કામ કરતા દીપકભાઈ મારફતે સુરતના લેબર સપ્લાયર આશિષ બીપીનભાઈ મિસ્ત્રી (સૌરાષ્ટ્ર દર્શન રેસીડેન્સી, બીઓબી પાસે, કઠોદરા, સુરત) નો સંપર્ક થયો હતો.
જ્યારે આશિષ મિસ્ત્રીએ મને કહ્યું હતું કે તે વિદેશમાં લેબર સપ્લાય કરે છે અને આપણે પાર્ટનરશીપમાં કામ કરી શકીએ તેમ છીએ. ઓક્ટોબર 2023 માં આશિષ મિસ્ત્રીએ સિંગાપુરમાં 30 લેબર સપ્લાય કરવા માટે મારી પાસે લેબરોની ડિટેલ મેળવી હતી.
જ્યારે દિલીપભાઈએ કહ્યું છે કે, આશિષ મિસ્ત્રીએ મને એક લેબર દીઠ 1.20 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહ્યું હતું. જેની સામે કામદાર વિદેશ પહોંચે એટલે 50% રકમ પરત આપશે અને કામદારને 80000 સેલરી મળશે તેમાંથી પણ કમિશન આપવાની વાત કરી હતી. જેથી 30 લેબર પેટે મેં 37.98 લાખ રૂપિયા મોકલ્યા હતા.
જ્યારે આશિષે કોર્ટ મેનપાવર રિસોર્સીસ ટ્રાલી સિંગાપુરના નામે કોન્ટ્રાક્ટના ફોર્મ પર સહીઓ પણ મેળવી હતી. ત્યારબાદ તેને કેટલાક કામદારોની ટિકિટો પણ મોકલી હતી. જે ટિકિટો આગલે દિવસે કેન્સલ થઈ છે તેમ તેણે કહ્યું હતું. આમ, આશિષભાઈની વર્તણુક શંકાસ્પદ જણાઈ હતી અને મારો ફોન પણ રિસીવ નહીં કરી ઉડાવ જવાબ આપતા હોવાથી મેં પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ એમણે એક પણ લેબરને મોકલ્યા નથી અને પૈસા પણ પરત કરતા નથી. જેથી સમા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.