શહેરમાં વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવા બુટલેગરરો અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે ગ્રામ્ય એલસીબી દ્વારા પોર ગામ પાસેથી ઇકો ગાડીમાં મમરાની થેલીઓ અને વેફરના પેકેટની આડમાં લઇ જવાતો વિદેશી શરાબનો રૂપિયા 1.02 લાખની કિંમતનો જથ્થો ઝડપી પાડી બુટેલગરનો શહેરમાં વિદેશી શરાબ ઘૂસાડવાનો કિમયો નિષ્ફળ બનાવ્યો હતો.
પોલીસે કાર ચાલક ની ધરપકડ કરી 24 પેટી વિદેશી શરાબના જથ્થા સહીત કુલ રૂ. 3.62 લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ વરણામા પોલીસ મથકમાં પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ વરણામા પોલીસ મથક હદ વિસ્તારમાં કામગીરીમાં હતી તે દરમિયાન બાતમી મળી કે, એક સફેદ કલરની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વાપીથી વડોદરા તરફ લઇ જવામાં આવી રહ્યો છે. અને હાલ આ કારે કરજણ પસાર કર્યું છે.
બાતમી મળતા જ ગ્રામ્ય એલસીબીની ટીમો પોર ગામ નજીક સુરત હાઇવે રોડ પર વડોદરા તરફ જવાના ટ્રેક પર વોચ ગોઠવી ઉભી થઇ ગઈ હતી. તે દરમિયાન બાતમી આધારિત ઇકો કાર આવતા એલસીબી પોલીસે કારને કોર્ડન કરી કારમાં તપાસ કરતા વેફર અને મમરાની થેલીના જથ્થાની આડમાં છુપાવવામાં આવેલ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઇસ્ટ મુંબઇ માં રહેતા કાર ચાલક ફૈઝલઅલી અબ્દુલ્લા શેખની ધરપકડ કરી વિદેશી શરાબના જથ્થા સહીત કુલ રૂ. 3.62 લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ વરણામા પોલીસ મથકમાં પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.