અંકોડિયા ગામના ખેડૂતો વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બિનખેતી પરવાનગી અને હેતુફેરની ફાઈલોમાં થતા વિલંબ મુદ્દે રજૂઆત કરવા ગયા.
ખેડૂતોનું કહેવું છે કે કલમ 65, 65એ, 65બી અને 67એ હેઠળ દાખલ થયેલી અરજીઓમાં નિકાલ વિલંબિત રહેલો છે.
જિલ્લા કલેક્ટર કચેરીમાં હાલ 100થી વધુ બિનખેતીની ફાઈલો પડતર હોવાનું જણાયું.
મહેસુલી વિભાગના કર્મચારીઓ દ્વારા ઇરાદાપૂર્વક વિલંબ થતો હોવાનો આક્ષેપ.
વડોદરા શહેર નજીક અંકોડિયા ગામના ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બિનખેતીની પરવાનગી અથવા તો હેતુફેરની ફાઈલોમાં થતા વિલંબને લઈને ગુજરાત ખેડૂત હિત રક્ષક સમિતિને સાથે રાખીને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા.
વડોદરા જિલ્લામાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ ની કલમ 65, 65એ, 65બી અને 67એ પ્રમાણે દાખલ થયેલી અરજીઓમાં બિનખેતી ની પરવાનગી અને હેતુફેરની ફાઇલમાં વિલંબ થતો હોવાની રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂત અગ્રણી સુમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, વારંવારની રજૂઆતો છતાં બિનખેતી બાબતે સરકારશ્રીના ત્વરિત નિર્ણયના વલણ બાદ પણ વડોદરા જિલ્લામાં બિનખેતીની ફાઈલોનો નિકાલ કરવામાં આવતો નથી. હાલ પણ લગભગ 100થી વધુ ફાઈલો જિલ્લા કલેકટર કચેરીએ પડતર રહેલી છે.
આ સાથે હેતુફેરની જમીનોમાં હેતુફેરનો કન્વર્ઝન ટેક્સ વસુલીને તેનું સર્ટીફીકેટ ઇસ્યુ કરવા માટેની પણ માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. બિનખેતીની પરવાનગી માટે અરજ દાખલ થયાના ત્રણ મહિનામાં અરજી મંજૂર અથવા તો નામંજૂર કરવાની હોય છે. જોકે મહેસુલી વિભાગ દ્વારા જાણી જોઈને અરજીના નિકાલમાં વિલંબ કરવામાં આવતો હોવાની રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ પ્રમાણે થતી તમામ કાર્યવાહીનું યોગ્ય પાલન થાય તેવી માંગણી આજે ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.