સામાન્ય રીતે એક-બે વખત પોલીસ ચોપડે નામ ચઢ્યા બાદ લોકો સુધરી જતા હોય છે. અને ફરી વળીને તે રસ્તે જવાનું નામ નથી લેતા. પરંતુ સમયજતા કેટલાક લોકો રીઢા પણ થઇ જાય છે, અને વારંવાર પોલીસના ચોપડે નામ ચઢ્યા બાદ પણ સુધરતા નથી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે આવો જ એક આરોપી લાગ્યો છે. જેની સામે એક ડઝનથી વધુ ગુનાઓ નોંધાયા છે. છતાં વધુ એક વખત ગેરકાનુની કામ કરતા રંગેહાથ ઝડપાયો છે.
શહેરમાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ દેખરેખ રાખવામાં આવે છે. તેવામાં તાજેતરમાં ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન બાતમી મળી કે, અગાઉ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર રામચંદાણી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને વારસીયા વાસવાણી કોલોની ખાતે પોતાના કબ્જાના મકાનમાં રાખીને તેનું વેચાણ કરે છે. બાતમી મળતા જ તુરંત ટીમ રવાના થઇ હતી. અને વોચ ગોઠવી હતી.
સ્થલ પરથી મકાન બહારથી જ બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર દયાલદાસ રામચંદાણી (રહે. વાસવાણી કોલોની ઝુંપડપટ્ટી, વારસીયા) મળી આવ્યો હતો. તેને મકાનમાં લઇ જઇને તપાસ કરતા અલગ અલગ પ્રકારનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જે તમામની ગણતરી કરતા રૂ. 58 હજારથી વધુનો માલ રિકવર કરવામાં આવ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર દયાલદાસ રામચંદાણી સામે વિદેશી દારૂ. મારામારી તેમજ જુગાર સહિતના 13 ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. આરોપી તેની ગુનાહિત પ્રવૃત્તિના કારણે ત્રણ વખત પાસા પણ ભોગની ચૂક્યો છે.