પંચમહાલ જિલ્લાના ગોધરાથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે ટુવા ગામ નજીક ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે. જયારે એક ત્રણ વર્ષ નાના બાળક સહીત 8 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા – અમદાવાદ હાઇવે પર ટુવા પાસે ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં સુરેખાબેન કરણભાઇ દેવધા અને કરણભાઈ જશુભાઈ દેવધાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આજે વહેલી સવારે ગોધરા તાલુકાના ટુવા ગામ નજીક ટ્રેક્ટરને પાછળ થી આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં બેસી કેટલાક પરિવારો અમદાવાદ તરફ જઈ રહ્યા હતા.
ટેન્કરે ટ્રેક્ટર ને અડફેટે લેતા અકસ્માતમાં એક દંપતિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જયારે એક નાના બાળક સહીત આઠ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 2 લોકોનું હાલત વધુ ગંભીર હોવાથી તેઓને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.