- નવી પોલીસી અનુસાર, નિયમોનું ચુસ્ત પાલન કરીને આ મંજુરી આપવામાં આવી છે. અને સમયાંતરે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે
રાજકટ ગેમઝોન દુર્ઘટના બાદ વડોદરા સહિત રાજ્યભરના ગેમઝોન બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા ગેમઝોનને લઇને નવી પોલીસી બનાવવામાં આવી હતી. અને તેને નોટીફાય કરીને અમલમાં મુકવામાં આવી હતી. આ પોલીસી વડોદરા માં લાગુ થયા બાદ વિવિધ ગેમઝોનના સંચાલકો દ્વારા શરૂ કરવા માટે અરજી આપવામાં આવી હતી. જે પૈકી પાંચ ગેમઝોનને મંજુરી આપવામાં આવી હોવાનું શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે. નવી પોલીસી અનુસાર, નિયમોનું ચુસ્ત પાલન કરીને આ મંજુરી આપવામાં આવી છે. અને સમયાંતરે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવનાર હોવાનું કમિશનરએ મીડિયાને જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, હાલ શાળાઓમાં દિવાળી વેકેશન હોવાથી ગેમઝોન સંચાલકો સારી કમાણીની આશા રાખી રહ્યા છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર એ મીડિયાને જણાવ્યું કે, રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સુરક્ષાના કારણોસર શહેરના ગેમઝોનને બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં ગુજરાત સરકાર દ્વારા ગેમઝોનને ધ્યાને રાખીને નવી પોલીસીને નોટીફાય કરીને અમલમાં મુકવામાં આવી છે. તે મુજબ દરેક શહેર-જિલ્લામાં રાઇડ્સ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્સન કમિટીની રચના કરવાનું રહે છે. વડોદરા પોલીસ કમિશનરના તાબા હેઠળના અધિકારીના અધ્યક્ષસ્થાને વિવિધ સંસ્થાઓને સાંકળતી સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં પોલીસ ઉપરાંત એક્ઝીક્યુટીવ વિભાગ (યાંત્રિક વિભાગ, વડોદરા શહેર) , એક્ઝીક્યુટીવ વિભાગ (માર્ગ મકાન વિભાગ), આરોગ્ય વિભાગના પ્રતિનિધિ, ફાયર સેફ્ટી અધિકારી, ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટર, વડોદરા શહેરના કાર્યરત MSU ના એન્જિનીયરીંગના બે વિભાગના HOD (મિકેનીકલ અને એન્જિનીયરીંગ વિભાગ) ને મેમ્બર તરીકે ઉમેરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તે પછી જે અરજીઓ મળેલ છે, તેના આધારે સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટી દ્વારા નિયમાનુસાર, એનઓસી, જોઇન્સ ઇન્સ્પેક્શન, સ્થળ મુલાકાત સમયે ધ્યાને આવેલા છીંડા દુર કરાવ્યા પછી અમને અહેવાલ મળ્યો છે. પોલીસ કમિશનર વડોદરા લાયસન્સીંગ ઓથોરીટી તરીકે હોવાથી 5 ગેમઝોને હાલ મંજુરી આપવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીમાં ફાયર-ઇલેક્ટ્રીકલ સેફ્ટી, બિલ્ડીંગની મંજુરીઓ, સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ, ટ્રાફીકની પરિસ્થીતી અંગેની વ્યવસ્થાને ધ્યાને લીધી છે. સમયાંતરે તેઓનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે.