Uncategorized

વડોદરાની પાલિકા શાળાઓ બનશે ‘Period Poverty Free’: શ્રવણ સેવા ફાઉન્ડેશનનું પૂરાવા આધારિત અભિયાન

Published

on

  • નવતર પ્રયોગ: શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરાની 10 નગર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ‘પિરિયડ પોવર્ટી ફ્રી’ અભિયાનનો પ્રારંભ.
  • એવિડન્સ બેઝ્ડ અભિગમ: આ અભિયાન માત્ર કિટ આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ દિકરીઓના સ્વાસ્થ્યમાં થતા સુધારાનો ચોક્કસ રેકોર્ડ (Data) પણ રાખવામાં આવશે.
  • શું હશે કિટમાં?: દર મહિને દિકરીઓને 10 સેનેટરી પેડ, વેટ ટિશ્યું, પેપર સોપ, ટાઇમ ટેબલ અને
  • ડિસ્પોઝેબલ બેગ જેવી જરૂરી વસ્તુઓ અપાશે.
    પિરિયડ ક્લિનિક: રાજ્યમાં કદાચ પ્રથમ વખત શાળામાં જ નિષ્ણાંત તબીબો અને પબ્લિક હેલ્થ એક્સપર્ટ દ્વારા માસિક સંબંધિત પરામર્શ આપવામાં આવશે.
  • નક્કર સુવિધા: માસિક દરમિયાન થતા દુખાવામાં રાહત માટે દરેક શાળામાં ઇલેક્ટ્રિક શેક બેગ પણ આપવામાં આવશે.

આજરોજ વડોદરા શહેરમાં પાલિકા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત માસિક સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શાળાઓને પિરિયડ પોવર્ટી ફ્રી (માસિક સુરક્ષિત) બનાવવાની દિશામાં આ પ્રથમ અને મહત્વનું પગલું છે. જેની શરૂઆત સંસ્થાના ફાઉન્ડર નીરવભાઇ ઠક્કર, પાલિકાની શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજનબેન ઠક્કર, પ્રોજેક્ટ હેડ વાચા પંડ્યા, સેવાભાવી યોગદીપસિંહ જાડેજા, દિપ પરીખ, હાર્દિકભાઇ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતીમાં પૂ. ડોંગરેજી મહારાજ શાળામાં કરવામાં આવ્યું છે.  સંસ્થા દ્વારા આગામી એક વર્ષ સુધી પાલિકાની 10 શાળાઓમાં પિરિયડ હાઇજીન કિટ આપવામાં આવશે. આ પ્રયાસ એવિડન્સ બેઝ્ડ (પૂરાવા આધારિત) હોવાથી દિકરીઓની મુશ્કેલી દૂર કરીને નક્કર પરિણામ મળશે. આ સાથે જ સંસ્થા દ્વારા સંભવિત રીતે રાજ્યમાં પ્રથમ વખત શાળાઓમાં પિરિયડ ક્લિનિક શરૂ કરવામાં આવનાર છે, જેમાં દિકરીઓની પિરિયડ અને તે સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને નિષ્ણાંત તબીબો દ્વારા સમજીને તેનો ઉકેલ લાવવામાં આવશે. પૂરાવા આધારિત અને એવિડન્સ બેઝ્ડ માસિક સુરક્ષા અભિયાન દેશમાં પ્રથમ વખત વડોદરામાં શરૂ થઇ રહ્યું છે.

પૂરાવા આધારિત અનોખું માસિક સુરક્ષા અભિયાન

શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ ઠક્કર જણાવે છે કે, અમારી સંસ્થા છેલ્લા પાંચ વર્ષોથી નિયમીત રીતે ફૂટપાથ પર જીવન વ્યતિત કરતા વૃદ્ધોને તાજુ બનાવેલું ગરમ જમવાનું પુરૂ પાડી રહી છે. તેની સાથે અમે પશુઓની સેવા-ચાકરીમાં પણ નોંધનીય કાર્ય કરી રહ્યા છે. અને હવે અમે દિકરીઓ માટે નવો પ્રોજેક્ટ પેડ સેફ શરૂ કરી રહ્યા છીએ. પ્રોજેક્ટ પેડ સેફના હેડ વાચા પંડ્યા જણાવે છે કે, આ અનોખું પૂરાવા આધારિત (Evidence Based) માસિક સુરક્ષા અભિયાન (Period Poverty Free – Mission) છે. જેમાં દિકરીઓને આગામી એક વર્ષ સુધી દર મહિને પિરિયડ હાઇજીન કિટ આપવામાં આવશે, સાથે જ તેના ઉપયોગનું અને તેના પરિણામોનો રેકોર્ડ રાખવામાં આવશે.

કોઇના આધારે નહીં રહેવું પડે

વાચા પંડ્યા જણાવે છે કે, અમારા દ્વારા માસિક સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેની ખાસિયત છે કે, દર મહિને દિકરીઓની જરૂરિયાત કરતા વધારે 10 – સેનેટરી પેડ, વેટ ટિશ્યું, પેપર શોપ, ટાઇમ ટેબલ, પેડના ઉપયોગની ટૂંકી માર્ગદર્શિકા, ડિસ્પોઝેબલ બેગ આપવામાં આવશે. આ સાથે પિરિયડમાં દુખાવાની સમસ્યામાં રાહત મેળવવા માટે ઠંડુ-ગરમ શેક કરી શકાય તેવી 2 – ઇલેક્ટ્રીક બેગ શાળા દીઠ આપવામાં આવશે. આ બધી વસ્તુઓ તેમની પાસે જ હોવાથી તેમણે માસિક દરમિયાન કોઇના આધારે નહીં રહેવું પડે.

રાજ્યમાં પહેલી વખત શાળામાં શરૂ થશે પિરિયડ ક્લિનિક

વાચા પંડ્યા જણાવે છે કે, અમે શાળામાં પ્રતિમાસ એક વખત પિરિયડ ક્લિનિક શરૂ કરવા જઇ રહ્યા છીએ. જેમાં નિષ્ણાંત તબીબો અને પબ્લીક હેલ્થ એક્સપર્ટ દ્વારા માસિક દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નોના ઉકેલ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. જે રાજ્યમાં સંભવિત પહેલો પ્રયાસ છે. પ્રોજેક્ટ પેડ સેફ પૂરાવા આધારિત છે, જેનો મતબલ કે, દિકરીઓને આપેલી કિટની વસ્તુઓ તેમને કેવી રીતે ઉપયોગી નીવડી, તેના ઉપયોગ દરમિયાન કોઇ પ્રશ્ન ઉદ્ભવ્યો હોય, દિકરીઓના માસિક સંબંધિક કોઇ પોતાના પ્રશ્નો હોચ, અન્ય જરૂરિયાતો હોય તેનો રેકોર્ડ અમારી પાસે રહેશે. જેનાથી આગામી સમયમાં માસિક સુરક્ષા અભિયાન વધુ સુદ્રઢ બનાવવામાં મદદ મળશે.

Trending

Exit mobile version