- જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સૌથી સારો નેતા…
- પંથ અને સંપ્રદાયોને મંત્રીઓથી દૂર રાખવા જોઈએ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હંમેશા પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે નેતાઓ વિશે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં નીતિન ગડકરીએ કહ્યું કે, ‘જે વ્યક્તિ લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સારો નેતા બની શકે છે.’
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘વાતો કરવી સહેલી છે. હું કોઈ અધિકારી નથી, પરંતુ મને તેનો અહેસાસ છે. કારણ કે હું જે ક્ષેત્રમાં કામ કરું છું, ત્યાં પૂરા મનથી સાચું બોલવાની મનાઈ છે. જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સારો નેતા બની શકે છે. શ્રીમદ્ભગવદ્ ગીતામાં લખ્યું છે કે અંતમાં સત્યની જ જીત થશે.’
નીતિન ગડકરીએ શોર્ટકટ વિશે જણાવ્યું કે, ‘શોર્ટકટથી સફળતા ઝડપથી મળે છે, પણ શોર્ટકટ એટલે ‘કટ યુ શોર્ટ’ આથી જ પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સમર્પણ અને સચ્ચાઈ જેવા મૂલ્યોનું સમાજમાં ઘણા મહત્ત્વના છે.’
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે, ‘પંથ અને સંપ્રદાયોને મંત્રીઓથી દૂર રાખવા જોઈએ. ધાર્મિક કાર્ય, સામાજિક કાર્ય અને રાજકારણ અલગ-અલગ વસ્તુઓ છે. જો ધર્મને સત્તા સોંપવામાં આવે તો તેને નુકસાન થશે. મંત્રીઓ જ્યાં પણ જાય છે, ત્યાં આગ લગાડવાથી પોતાને રોકી શકતા નથી. તેઓ બે મહંતો વચ્ચે ઝઘડો કરાવે છે, પછી ગાદી માટે સંઘર્ષ થાય છે. પછી સરકાર તેમને સસ્પેન્ડ કરે છે, એક સમિતિની નિમણૂક કરે છે અને પછી બંને સરકારમાં આવી જાય છે.’
નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીમાં પોતાની સ્પષ્ટ વાત માટે જાણીતા છે. તેઓ જનતાને પોતાની વાત સ્પષ્ટ અને સીધા શબ્દોમાં કહી દે છે. તેમણે કહ્યું, “હું કામ કરીશ. જો તમને હું પસંદ આવું, તો મને વોટ આપજો, જો નહિ, તો ન આપતા.’