ચૂંટણી પંચનો મોટો નિર્ણય:બીજા તબક્કાની હિંસા બાદ ડાયમંડ હાર્બર અને મગરાહાટના 15 કેન્દ્રો પર આવતીકાલે ફરી યોજાશે મતદાન.
મધરાતે હંગામો:સ્ટ્રોન્ગ રૂમની સીલ તૂટ્યાનો TMCનો આક્ષેપ; મમતા બેનર્જી ૪ કલાક સુધી કાઉન્ટિંગ સેન્ટર પર ઠેરો નાખી બેઠા.
આમને-સામને આક્ષેપો:ભાજપનો આક્ષેપ- ‘EVM પર ટેપ લગાવાઈ’; TMCનો પલટવાર- ‘ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત.’
તંત્રની સ્પષ્ટતા:ચૂંટણી પંચે તમામ આરોપો ફગાવ્યા; કહ્યું- “પોસ્ટલ બેલેટ અલગ કરવાની પ્રક્રિયાને છેડછાડ ન ગણાવો.”
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ શાંત થયા છે પણ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. બીજા તબક્કાના મતદાન દરમિયાન થયેલી વ્યાપક હિંસા અને ગેરરીતિઓને ધ્યાને રાખીને ચૂંટણી પંચે 15 બૂથો પર ફેર મતદાન (Re-polling) કરાવવાનો નિર્ણય લીધો છે. આવતીકાલે, 2 મેના રોજ સવારે 7 વાગ્યાથી આ કેન્દ્રો પર ફરીથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મમતા બેનર્જી મેદાનમાં:
ગઈકાલે મધરાતે બંગાળમાં સ્થિતિ ત્યારે તણાવપૂર્ણ બની જ્યારે તૃણમૂલ કોંગ્રેસે સ્ટ્રોન્ગ રૂમની સીલ તોડવામાં આવી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. આ સમાચાર મળતા જ મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ભવાનીપુર અને શેખાવત મેમોરિયલ સ્કૂલ સ્થિત કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચી ગયા હતા. મમતા બેનર્જીએ લગભગ 4 કલાક સુધી ત્યાં રોકાઈને જાતે જ EVMની સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. TMC નેતાઓએ આરોપ લગાવ્યો છે કે CCTV ફૂટેજમાં ભાજપના લોકો બેલેટ બોક્સ સાથે છેડછાડ કરતા દેખાયા છે.
🗳️ચૂંટણી પંચનો ખુલાસો:
બીજી તરફ, ચૂંટણી પંચે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ઉત્તર કોલકાતાના ચૂંટણી અધિકારી સ્મિતા પાંડેએ સ્પષ્ટ કર્યું કે, સ્ટ્રોન્ગ રૂમ સંપૂર્ણ સુરક્ષિત છે. મધરાતે જે હિલચાલ જોવા મળી હતી તે પોસ્ટલ બેલેટને અલગ કરવાની કાયદેસરની પ્રક્રિયા હતી, જેની જાણ તમામ પક્ષોને અગાઉથી કરવામાં આવી હતી.
🧐ફેર મતદાન અને વિવાદ:
આવતીકાલે જે 15 બૂથ પર મતદાન થવાનું છે તેમાં ડાયમંડ હાર્બરના 4 અને મગરાહાટ પશ્ચિમના 11 બૂથનો સમાવેશ થાય છે. ભાજપ દ્વારા કુલ 77 બૂથ પર ફેર મતદાનની માંગ કરવામાં આવી હતી. ખાસ કરીને ફાલ્ટા વિધાનસભામાં EVM પર ટેપ લગાવી હોવાના આક્ષેપ બાદ ત્યાં પણ રીપોલિંગની શક્યતા સેવાઈ રહી છે.
🫵બંગાળમાં એક્ઝિટ પોલ બાદ વધેલી હિંસા અને હવે EVM પરના આક્ષેપોએ પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બનાવી દીધી છે. આવતીકાલનું ફેર મતદાન અને ત્યારબાદની મતગણતરી શાંતિપૂર્ણ રહેશે કે કેમ, તે મોટો સવાલ છે.