લાલ કિલ્લા વિસ્તાર અને ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક હોવાથી ઘટનાએ ભયનું માહોલ ઊભો કર્યો છે.
- બ્લાસ્ટ પછી કારમાં ભીષણ આગ લાગી હતી અને તેની ઝપેટમાં આસપાસ ઊભેલાં અનેક વાહનો પણ બળી ખાક થઈ ગયા.
- આ ભયાનક વિસ્ફોટમાં દસથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.
- આ સાથે જ ગુજરાત, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં પણ પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી.
રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં થયેલા જોરદાર વિસ્ફોટથી હાહાકાર મચી ગયો છે. બ્લાસ્ટ પછી કારમાં ભીષણ આગ લાગી હતી અને તેની ઝપેટમાં આસપાસ ઊભેલાં અનેક વાહનો પણ બળી ખાક થઈ ગયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ભયાનક વિસ્ફોટમાં દસથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તો અને મૃતકોને તાત્કાલિક લોક નાયક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
દિલ્લીના ફાયર વિભાગના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ થતાં તરત જ સાત અગ્નિશામક ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્રણથી ચાર અન્ય વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા, પરંતુ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને પ્રાથમિક તપાસ શરુ કરી દીધી છે.
લાલ કિલ્લા વિસ્તાર અને ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક હોવાથી ઘટનાએ ભયનું માહોલ ઊભો કર્યો છે. વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે તમામ સંભાવનાઓની તપાસ શરૂ કરી દીધી છે.બ્લાસ્ટ બાદ દિલ્હી સહિત આખા શહેરમાં હાઇઍલર્ટ જાહેર કરાયો છે. સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.
આ સાથે જ ગુજરાત, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં પણ પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.અમદાવાદ, ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાં પણ પોલીસ ચેકિંગ વધારી દેવામાં આવી છે. ખાસ કરીને રેલવે સ્ટેશન, ધર્મસ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં તંગ બંદોબસ્ત ગોઠવાયો છે.બ્લાસ્ટની જાણકારી મળતાં જ ભારત પર્વ માટે એકતા નગર આવેલા દિલ્હી ટુરિઝમ મંત્રી કપિલ મિશ્રા અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના તાત્કાલિક કાર્યક્રમ છોડીને દિલ્હીફેર નીકળી ગયા છે.
મુંબઈમાં પણ હાઇઍલર્ટ જાહેર કરાયું છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને રેલવે સ્ટેશનો, ધર્મસ્થળો તથા જાહેર સ્થળોએ પોલીસની દેખરેખ વધારી દેવાઈ છે.ફાયર બ્રિગેડ હજુ પણ સ્થળ પર અગ્નિશામક કામગીરી કરી રહી છે, જ્યારે પોલીસ અને એનએસજી ટીમો વિસ્ફોટના કારણ અને પ્રકૃતિની તપાસમાં લાગી ગઈ છે.