National

‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’: 32 અધિકારીઓને મંજૂરી, તો નરવણેનું પુસ્તક કેમ પેન્ડિંગ?

Published

on

ભારત અને ચીન સરહદ વિવાદ વચ્ચે હવે એક પુસ્તક રાજકીય લડાઈનું મેદાન બન્યું છે. ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી મંજૂરીની રાહ જોઈ રહી છે. શું છે આ પુસ્તકમાં એવા ખુલાસા જેનાથી સરકાર મૌન છે? જોઈએ આ ખાસ રિપોર્ટ.

📍મુખ્ય અંશો:

  • RTIનો ચોંકાવનારો ખુલાસો: એક RTI રિપોર્ટ મુજબ, 2020 થી 2024 દરમિયાન સંરક્ષણ મંત્રાલય પાસે કુલ 35 પુસ્તકો મંજૂરી માટે આવ્યા હતા. જેમાંથી 32 પુસ્તકોને લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ જનરલ નરવણેનું પુસ્તક હજુ પણ ‘રિવ્યુ’ હેઠળ અટવાયેલું છે.
  • સંસદમાં ગરમાવો: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ પુસ્તકના અંશો ટાંકીને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો કે જ્યારે ચીની ટેન્કો લદ્દાખમાં આગળ વધી રહી હતી, ત્યારે જનરલ નરવણેને કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે – જો ઉચિત સમજો તે કરો” (તમને જે યોગ્ય લાગે તે કરો). વિપક્ષનો આરોપ છે કે મુશ્કેલ સમયે નિર્ણય લેવામાં સરકાર અચકાતી હતી.
  • પુસ્તક અટકવાનું કારણ: સંરક્ષણ નિષ્ણાતો માને છે કે પુસ્તકમાં લદ્દાખ સ્ટેન્ડ-ઓફ (2020) અને અગ્નિપથ યોજના વિશે કરવામાં આવેલા ખુલાસા અત્યંત સંવેદનશીલ છે. જનરલ નરવણેએ કથિત રીતે લખ્યું છે કે અગ્નિપથ યોજના સેના માટે એક ‘ઝટકો’ (Bolt from the blue) સમાન હતી.

સરકારનો પક્ષ:

બીજી તરફ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટતા કરી છે કે સરકાર પૂર્વ સેના પ્રમુખનું સન્માન કરે છે. સરકારે જણાવ્યું છે કે અપ્રકાશિત અને બિન-પ્રમાણિત પુસ્તકમાંથી સંદર્ભ લેવો એ સંસદીય નિયમોની વિરુદ્ધ છે અને તે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોઈ શકે છે.

🧐હાલમાં પ્રકાશક ‘પેંગ્વિન રેન્ડમ હાઉસ’ અને સંરક્ષણ મંત્રાલય બંને આ બાબતે મૌન છે. જનરલ નરવણેએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મારું કામ પુસ્તક લખવાનું હતું, હવે મંજૂરી આપવી તે મંત્રાલયના હાથમાં છે.”

Trending

Exit mobile version