National

પ્રયાગરાજમાં મૌની અમાસના સ્નાનનો બહિષ્કાર: માઘ મેળામાં શંકરાચાર્ય અને પોલીસ વચ્ચે ‘મહાભારત’!

Published

on

પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં આજે મૌની અમાસના પવિત્ર પર્વે ભારે હંગામો જોવા મળ્યો છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને પોલીસ પ્રશાસન વચ્ચે તીખી બોલાચાલી બાદ ઘર્ષણ સર્જાયું છે. શંકરાચાર્યએ આક્ષેપ કર્યો છે કે પોલીસે તેમની નજર સામે જ શિષ્યોને માર માર્યો છે, જેના વિરોધમાં તેમણે સ્નાનનો બહિષ્કાર કર્યો છે.

મૌની અમાસ નિમિત્તે કરોડો શ્રદ્ધાળુઓ સંગમ તટે ઉમટી પડ્યા છે ત્યારે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પોતાના કાફલા સાથે સ્નાન માટે નીકળ્યા હતા. શંકરાચાર્યનો આરોપ છે કે પોલીસે જાણીજોઈને તેમના કાફલાને અટકાવ્યો અને શિષ્યો સાથે ગેરવર્તન કર્યું.

શંકરાચાર્યનું નિવેદન:

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આ ઘટના બાદ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, “પોલીસે મારી નજર સામે શિષ્યોને થપ્પડ મારી. અમે સ્નાનનો ઈનકાર કરીને પરત ફરી રહ્યા હતા છતાં પોલીસે મારવાનું ચાલુ રાખ્યું. મેં અગાઉ કુંભમેળાની અવ્યવસ્થા માટે CM યોગીને જવાબદાર ઠેરવ્યા હતા, આ ઘટના તેનો જ બદલો છે.”

વહીવટીતંત્રનો પક્ષ:

બીજી તરફ, પ્રયાગરાજના ડિવિઝનલ કમિશનર સૌમ્યા અગ્રવાલ અને પોલીસ કમિશનરે આ આરોપોને ફગાવ્યા છે. પ્રશાસનનું કહેવું છે કે, “શંકરાચાર્ય કોઈપણ પૂર્વ મંજૂરી વિના 200 શિષ્યો અને રથ સાથે ‘નો વ્હીકલ ઝોન’ માં ઘૂસી આવ્યા હતા. અતિશય ભીડને કારણે તેમને પગપાળા જવા વિનંતી કરી હતી, પરંતુ તેઓ માન્યા નહીં અને 3 કલાક સુધી રસ્તો જામ કરી દીધો હતો.”

👉આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. સપા નેતા અખિલેશ યાદવે પણ આ ઘટનાની ટીકા કરી છે. સીસીટીવી ફૂટેજની તપાસ બાદ પ્રશાસન હવે આગળની કાર્યવાહી કરવાની વાત કરી રહ્યું છે, પરંતુ મૌની અમાસના પવિત્ર દિવસે સાધુ-સંતો અને પોલીસ વચ્ચેનું આ ઘર્ષણ ચર્ચાનો વિષય બન્યું છે.

Trending

Exit mobile version