ATF પર પણ વેરો વધ્યો; વિમાન ઇંધણની નિકાસ હવે મોંઘી પડશે.
પેટ્રોલની નિકાસ પર રાહત યથાવત; એક્સપોર્ટ ડ્યુટી શૂન્ય રાખવાનો નિર્ણય.
નવી દિલ્હી:વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની અસ્થિરતા અને સ્થાનિક સ્તરે ઇંધણની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. 11 એપ્રિલ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સરકારી ગેઝેટ મુજબ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની નિકાસ જકાતમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ નવા દરો તાત્કાલિક અસરથી અમલી બનશે.
સરકારના નવા નોટિફિકેશન પ્રમાણે, ડીઝલની નિકાસ પર અત્યાર સુધી જે ₹21.5 પ્રતિ લિટર ટેક્સ હતો, તેમાં સીધો ₹34નો વધારો કરીને હવે ₹55.5 પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે, વિમાનના ઇંધણ એટલે કે ATF પરનો વેરો પણ ₹29.5 થી વધારીને ₹42 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.
⛽પેટ્રોલ પર કોઈ ફેરફાર નહીં:
નિકાસકારો માટે રાહતના સમાચાર એ છે કે પેટ્રોલની નિકાસ પરના વેરામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ પરની એક્સપોર્ટ ડ્યુટી અગાઉની જેમ જ ‘શૂન્ય’ રાખવામાં આવી છે, જેનાથી પેટ્રોલિયમ નિકાસકારોને થોડી રાહત મળશે.
👉સરકારના નિર્ણય પાછળનું કારણ:
આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવમાં સતત વધ-ઘટ થઈ રહી છે. ભારતીય રિફાઈનર્સ સ્થાનિક બજારના બદલે વિદેશમાં વધુ નફો મેળવવા નિકાસ ન કરે અને દેશની અંદર ઇંધણનો પૂરતો પુરવઠો જળવાઈ રહે તે હેતુથી આ ‘વિન્ડફોલ ટેક્સ’ જેવી જકાતમાં વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
👉આ પગલાથી સરકારી તિજોરીમાં આવક વધશે અને સ્થાનિક બજારમાં ડીઝલની અછત સર્જાવાની શક્યતા નહિવત થઈ જશે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરતા રિફાઈનર્સના નફા પર તેની સીધી અસર જોવા મળી શકે છે.