- યુદ્ધની અસર: મિડલ ઈસ્ટમાં અશાંતિને પગલે ઓઈલ કંપનીઓએ ઝીંક્યો ભાવ વધારો.
- સીધો વધારો: પ્રતિ લિટર ડીઝલ પર ₹22 વધ્યા, નવો ભાવ ₹109.59 પર પહોંચ્યો.
- કોને અસર?: ફેક્ટરીઓ, શોપિંગ મોલ્સ, ડેટા સેન્ટર્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મશીનરીના ખર્ચમાં થશે મોટો વધારો.
- સામાન્ય જનતા: પરોક્ષ રીતે મોંઘવારી વધતા સામાન્ય માણસના ખિસ્સા પર પડશે બોજ.
નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના વાદળોએ વિશ્વભરમાં ઉર્જા સંકટની ચિંતા વધારી છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર હવે ભારતના બજારોમાં જોવા મળી રહી છે. ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલ અને ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ (બલ્ક) ડીઝલના ભાવમાં જંગી વધારો ઝીંક્યો છે.
⛽ભાવમાં મોટો ઉછાળો:
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ, ઇન્ડસ્ટ્રિયલ ડીઝલની કિંમત પ્રતિ લિટર ₹87.67 થી વધારીને ₹109.59 કરી દેવામાં આવી છે. એટલે કે એકસાથે લિટર દીઠ ₹22નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર ઉદ્યોગ જગત, ટ્રાન્સપોર્ટ અને વીજ ઉત્પાદન ખર્ચ પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.
❓શું હોય છે ઇન્ડસ્ટ્રિયલ ડીઝલ?
ઘણા લોકોને પ્રશ્ન થાય કે શું આ ડીઝલ ગાડીઓમાં વપરાય છે? તો જવાબ છે ના. ઇન્ડસ્ટ્રિયલ અથવા બલ્ક ડીઝલનો ઉપયોગ ફેક્ટરીઓ અને કારખાનાઓમાં ઔદ્યોગિક કામો માટે થાય છે. આ ડીઝલ પર કોઈ સબસિડી મળતી નથી. તેનો ઉપયોગ મોટા જનરેટરો, શોપિંગ મોલ્સ, ડેટા સેન્ટર્સ, JCB, બુલડોઝર અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની હેવી મશીનરીમાં કરવામાં આવે છે.
🧐સામાન્ય માણસ પર કેવી રીતે થશે અસર?
ભલે આ ડીઝલ સામાન્ય નાગરિકોની કાર કે બાઇકમાં નથી વપરાતું, પરંતુ તેની અસર દરેકના ખિસ્સા પર પડશે. જ્યારે ફેક્ટરીઓ અને ઉત્પાદન એકમોનો ખર્ચ વધે છે, ત્યારે તેઓ પોતાની પ્રોડક્ટની કિંમતમાં વધારો કરે છે. પરિણામે, ટ્રાન્સપોર્ટેશન અને ચીજવસ્તુઓના ભાવ વધતા સામાન્ય માણસ પર મોંઘવારીનો ડામ લાગશે.
🗣️મિડલ ઈસ્ટનું યુદ્ધ જો લાંબુ ખેંચાશે તો આગામી દિવસોમાં સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.