ભારત-નેપાળ સરહદ પર આવેલા બીરગંજમાં ધાર્મિક વિવાદને પગલે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયો બાદ ફાટી નીકળેલી હિંસાને કાબૂમાં લેવા નેપાળ પ્રશાસને બીરગંજમાં અનિશ્ચિત મુદ્દતનો કરફ્યુ લાદી દીધો છે. સુરક્ષાના કારણોસર ભારત સાથેની સરહદ પણ સીલ કરવામાં આવી છે.
ઘટનાનું મૂળ: વિવાદની શરૂઆત ધનુષા જિલ્લાના કમલા નગરપાલિકા વિસ્તારમાં એક TikTok વીડિયોથી થઈ હતી, જેમાં ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથને નુકસાન પહોંચાડવાની ઘટનાથી રોષ ફેલાયો હતો.
હિંસક અથડામણ: બીરગંજના છપકૈયા અને મૂર્લી વિસ્તારોમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભીડને વિખેરવા પોલીસે આંસુ ગેસના સેલ છોડ્યા હતા. આ અથડામણમાં અંદાજે 7 પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
કરફ્યુ અને બોર્ડર એલર્ટ: પર્સા જિલ્લા વહીવટી તંત્રએ બીરગંજ મેટ્રોપોલિટન સિટીના પૂર્વમાં બસ પાર્ક, પશ્ચિમમાં સિરસિયા પુલ, ઉત્તરમાં પાવર હાઉસ અને દક્ષિણમાં શંકરાચાર્ય ગેટ (ભારતીય સરહદ) સુધી કરફ્યુ જાહેર કર્યો છે.
શૂટ-ઓન-સાઇટ: સ્થિતિ જોતા સુરક્ષા દળોને કરફ્યુ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા છે.
ભારત-નેપાળ બોર્ડર પર ડોગ સ્ક્વોડ અને વધારાની ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.
🧐 ભારતીય કામદારોનું પલાયન
સ્થિતિ બગડતા બીરગંજ અને આસપાસના વિસ્તારોમાં કામ કરતા સેંકડો ભારતીય શ્રમિકો અને વેપારીઓ રક્ષૌલ (બિહાર) સરહદ મારફતે સ્વદેશ પરત ફરી રહ્યા છે. બજારો બંધ હોવાથી અને સુરક્ષાના ભયથી તેઓએ પરત ફરવાનો નિર્ણય લીધો છે.
🫵તંત્રની અપીલ: નેપાળના ગૃહ મંત્રાલય અને સ્થાનિક પ્રશાસને લોકોને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા વિનંતી કરી છે. અત્યાર સુધીમાં આ મામલે 3 થી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.