ઘટના એન્ગા પ્રાંતના કુકાસ ગામમાં બની હોવાનું પોલીસે જણાવ્યું.
ભૂસ્ખલન રાત્રે લગભગ બે વાગ્યે થયું.30 લોકોના મોત થયા હોવાની સ્થાનિકોની માહિતી.
અત્યાર સુધી 18 મૃતદેહો મળી આવ્યા છે.પોલીસે 21 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે.અનેક ઘરો માટી અને ખડક હેઠળ દટાઈ ગયા.
પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે વિનાશક ભૂસ્ખલન થયું છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના જીવ ગયા હોવાની શક્યતા છે, જ્યારે અનેક ઘરો માટી અને ખડક હેઠળ દટાઈ ગયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ભૂસ્ખલનની ઘટના રાત્રે લગભગ બે વાગ્યે એન્ગા પ્રાંતના કુકાસ ગામે બની હતી. પ્રાંતના ગવર્નર પીટર ઈપાતાસે જણાવ્યું કે સ્થાનિક રહેવાસીઓના અનુમાન મુજબ લગભગ 30 લોકોના મોત થયા છે, જેમાંથી અત્યાર સુધી 18 મૃતદેહો મળી આવ્યા છે.
સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. સ્થાનિક લોકો બચાવદળો સાથે મળી દટાયેલા લોકોના મૃતદેહો બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે 21 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે.
ગયા વર્ષે મે મહિને પણ એન્ગા પ્રાંતમાં જ મોટું ભૂસ્ખલન થયું હતું, જેમાં આશરે 670 ગ્રામજનોએ જીવ ગુમાવ્યો હતો. તાજેતરની આ દુર્ઘટનાએ ફરી એકવાર વિસ્તારની ભૂગોળીય અસ્થિરતાના જોખમોને જગજહેર કર્યા છે.