- PR પ્રોસેસમાં મોટો ફેરફાર: નોવા સ્કોટિયા નોમિની પ્રોગ્રામ (NSNP) હેઠળ હવે EOI પ્રોફાઇલ અનિશ્ચિત સમય સુધી માન્ય નહીં રહે.
- 12 મહિનાની સમયમર્યાદા: 1 મે 2026થી નવી ફાઇલ માત્ર એક વર્ષ માટે જ પૂલમાં રહેશે; પસંદગી ન થાય તો ફરીથી અરજી કરવી પડશે.
- જૂની ફાઇલો પર તવાઈ: 1 મે 2024 પહેલાની તમામ પ્રોફાઇલ્સ આજથી બંધ; ઉમેદવારોએ નવી લાયકાત મુજબ ફરી નોંધણી કરવી પડશે.
- ભારતીયો પર મોટી અસર: કેનેડામાં સ્થાયી થવા ઈચ્છતા લાખો ભારતીયોએ હવે પોતાની પ્રોફાઇલ સતત અપડેટ રાખવી પડશે.
કેનેડા/વડોદરા: કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતે પોતાની ઇમિગ્રેશન સિસ્ટમને આધુનિક અને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. 27 એપ્રિલના રોજ જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) પ્રોફાઇલ માટે હવે નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયની સીધી અસર એવા ઉમેદવારો પર પડશે જેઓ લાંબા સમયથી PR ની રાહ જોઈ રહ્યા હતા.
❓નવા નિયમો શું છે?
1 મે 2026થી દાખલ થતી તમામ નવી EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના સુધી જ માન્ય રહેશે. જો આ એક વર્ષના ગાળામાં ઉમેદવારને PR માટે આમંત્રણ (ITA) ન મળે, તો તેની પ્રોફાઇલ આપમેળે રદ થઈ જશે. અગાઉ ઉમેદવારોની પ્રોફાઇલ વર્ષો સુધી પૂલમાં પડી રહેતી હતી, જેના કારણે સિસ્ટમ ધીમી પડતી હતી. આ ઉપરાંત, 1 મે 2024 પહેલાની જૂની પ્રોફાઇલ્સ પણ આજથી બંધ કરી દેવામાં આવી છે. જોકે, 1 મે 2024 થી 30 એપ્રિલ 2026 વચ્ચે પ્રોફાઇલ બનાવનારાઓને 30 એપ્રિલ 2027 સુધીની રાહત આપવામાં આવી છે.
🧐ફેરફાર પાછળનું કારણ:
સરકારનું માનવું છે કે જૂની અને નિષ્ક્રિય પ્રોફાઇલ્સને કારણે લાયક ઉમેદવારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હતી. હવે નોવા સ્કોટિયા એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપશે જેમના દસ્તાવેજો અને માહિતી અપડેટ હોય અને જેઓ વર્તમાન માર્કેટની જરૂરિયાતો પૂરી કરી શકતા હોય. કેનેડાના અન્ય પ્રાંતોમાં પણ આવી જ નીતિ અમલમાં છે, જેનો હવે નોવા સ્કોટિયાએ પણ સ્વીકાર કર્યો છે.
🗣️[ઉમેદવારો માટે ટિપ્સ – વિશેષ અહેવાલ]
કેનેડા જવાની તૈયારી કરતા યુવાનો માટે હવે માત્ર પ્રોફાઇલ બનાવી દેવી પૂરતી નથી. 10 કેટેગરી ઘટાડીને હવે માત્ર 4 મુખ્ય કેટેગરી રાખવામાં આવી હોવાથી સ્પર્ધા વધી છે. ઓન્ટારિયોમાં તાજેતરમાં સ્કીલ્ડ ટ્રેડ સ્ટ્રીમ બંધ થયા બાદ નોવા સ્કોટિયાનો આ નિર્ણય દર્શાવે છે કે કેનેડા હવે ક્વોલિટી અને અપડેટેડ ડેટા પર વધુ ભાર મૂકી રહ્યું છે.
🫵જો તમે પણ કેનેડા PR માટે અરજી કરી છે અથવા કરવાના છો, તો આ નવી સમયમર્યાદાને ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે. સતત બદલાતા નિયમો વચ્ચે માહિતગાર રહેવું એ જ સફળતાની ચાવી છે.