દિવાળીની ચમક હવે કેવડિયાના એકતા નગર સુધી પહોંચી ગઈ છે, જ્યાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ‘પ્રકાશ પર્વ’ની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે.
હર જગ્યા રંગબેરંગી લાઇટ્સથી ઝળહળતી દેખાય છે — જાણે કે એકતા નગર પોતે પ્રકાશમાં ન્હાઈ ગયું હોય!
વેલી ઓફ ફ્લાવરથી લઈને મુખ્ય માર્ગ સુધીનો 140 મીટર લાંબો વોકવે સાત અલગ-અલગ થીમ આધારિત ‘ગ્લો ટનલ’માં ફેરવાયો
જેમાં 5 કરોડ LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે આ વર્ષે દિવાળીના પાવન અવસરે ‘પ્રકાશ પર્વ’ (Prakash Parv)ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના પગલે કેવડિયાનું એકતા નગર (Ekta Nagar) રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. દિવાળી અને આગામી રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day)ને ધ્યાનમાં રાખીને કેવડિયાને અદભૂત રીતે શણગારવામાં આવ્યું છે.
જ્યારે ઉજવણીના ભાગરૂપે વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધીના 140 મીટર લંબાઈના વોકવેને 7 અલગ-અલગ થીમ આધારિત ‘ગ્લો ટનલ’ માં પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ ટનલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ પર લાઇટિંગ કરવામાં આવી છે
એમાં કુલ 7.6 કિલોમીટરના વિસ્તારમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી કેવડિયાને સજ્જ કરવામાં આવ્યું છે, જેમાં 5 કરોડ LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દ્રશ્ય જોઈને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ આ લાઈટિંગ જોઈને અભિભૂત થઈ રહ્યા છે અને તેમને વિદેશમાં ફરતા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.
દિવાળી ની રજાઓમાં પ્રવાસીઓની સુવિધા માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ નિ:શુલ્ક કરવામાં આવી છે, જેમાં બસથી માંડીને તમામ સુવિધાઓનો સમાવેશ થાય છે. પ્રવાસીઓમાં આ વ્યવસ્થાને કારણે ખુશી જોવા મળી રહી છે.
જણાવ્યું છે કે, એકતા નગર ખાતે આગામી 31મી ઓક્ટોબર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પણ થનાર છે. ત્યાં સુધી એકતાનગર આ જ રીતે રોશનીથી ઝગમગતું રહેશે, જે પ્રવાસીઓ માટે એક યાદગાર અનુભવ બની રહેશે.