આત્મા પ્રોજેક્ટની તાલીમમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખેતીને વધુ લાભદાયી અને ટકાઉ બનાવી શકે છે, તેવી ખાતરી થતા જ અનિલભાઈ રબારીએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. અને ત્યારબાદથી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિથી જ ખેતી કરી રહ્યા છે
૨૦ વિઘામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્કૃષ્ટ ગુણવત્તા સાથે મબલખ ઉત્પાદન અને સારો નફો મેળવી રહ્યા છે અનિલભાઈ રબારી
ખેતરમાં લહેરાતા કાશ્મીરી ગુલાબ અને કપાસનો ઊભો પાક પ્રાકૃતિક કૃષિનું મહિમામંડન કરે છે
પ્રાકૃતિક કૃષિ એટલે ઉત્તમ ઉપજ તથા આવક, સમયની આવશ્યકતા અને સ્વસ્થ ભવિષ્ય : ખેડૂત અનિલભાઈ રબારી
પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે. અને એટલા માટે જ આપણા વડોદરા જિલ્લાની સાથે સાથે આપણું રાજ્ય અને આપણો દેશ પણ પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર થઈ રહ્યો છે. રસાયણમુક્ત અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના અઢળક ફાયદાઓથી પ્રેરાઈને પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા ખેડૂત અનિલભાઈ રબારીની સફળતાની ગાથા અન્ય ખેડૂતો માટે ચોક્કસથી પ્રેરણારૂપ બની છે.
અનિલભાઈ રબારી પાસે કુલ ૨૦ વિઘા જમીન છે. જેમાંથી હાલ ૬ વિઘા જમીન પર કપાસનો ઊભો પાક છે અને એક વિઘા જમીન પર કાશ્મીરી ગુલાબ લહેરાઈ રહ્યા છે. પાંચ વિઘા જમીન પર પશુધન માટે ચારો ઊગાડ્યો છે. તેમજ આ ખરીફ પાક દરમિયાન બે વિઘામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઘઉં તેમજ ૬ વિઘામાં પોંકનું વાવેતર કરવાનું તેમનું આયોજન છે. અનિલભાઈ પાસે ૪ દેશી ગાય સહિત કુલ ૧૫ ગાય છે.
પ્રાકૃતિક કૃષિનો ગુણાત્મક અનુભવ અને અદ્ભૂત ફાયદાઓ વર્ણવતા અનિલભાઈ રબારી જણાવે છે કે, ઝીરો બજેટ ખેતી હોવાથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ખેડૂતની આવક વધે છે એટલું જ નહીં, પરંતુ ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઉપજ મળવાથી બજારમાં પાકના સારા ભાવ પણ મળી રહે છે. તેઓ પોતાના કાશ્મીરી ગુલાબ વડોદરા શહેરમાં આવેલી ખંડેરાવ માર્કેટમાં વેચે છે. આ અંગે વાત કરતા તેમણે વધુમાં ઉમેર્યું કે, ગ્રાહકો ગુલાબનો રંગ અને ગુણવત્તા જોઈને વધુ ભાવ આપીને પણ ખરીદી લે છે. આવી જ રીતે કપાસની પણ ઉચ્ચ ગુણવત્તાના કારણે પાકનું વેચાણ તરત થઈ જાય છે.
પ્રાકૃતિક કૃષિને આજના સમયની આવશ્યકતા ગણાવી સ્વસ્થ ભવિષ્ય માટે જરૂરી ગણાવી તેમણે અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખાતર અને કૃત્રિમ જંતુનાશક દવાનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે તેઓ અન્ય ખેડૂતોને દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર નિ:શુલ્ક આપે છે.
પ્રાકૃતિક ખેતી વાસ્તવિક અર્થમાં ખેડૂતો, સરકાર અને ભાવિપેઢી માટે ફાયદાકારક છે. ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિથી જમીન અને સ્વાસ્થ્યનું જતન કરવાનું માર્ગદર્શન મેળવવા માટે આત્મા પ્રોજેક્ટ અધિકારીનો અને/અથવા મોડેલ ફાર્મની મુલાકાત લેવી જોઈએ. સૌ ખેડૂતો પરંપરાગત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને સ્વસ્થ જીવન સાથે ખેતીમાં નફાકારકતા મેળવે.