વિસ્ફોટ અને આગથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો અને છ કિલોમીટરના વિસ્તારમાં અસર થઈ.
ફાયર બ્રિગેડના 8 ટેન્ડરો આગ પર કાબૂ મેળવવા માટે પ્રવૃત્ત હતા.
પ્રાથમિક કારણ રાસાયણિક પદાર્થોની પ્રતિક્રિયા અથવા પ્રેશર ટેન્કની ખામી હોવાનું માનવામાં આવે છે.
સાઇખા ગામના સરપંચે GPCB અને વહીવટી તંત્ર પર ખામીઓ અંગે આક્ષેપો લગાવ્યા.
ભરૂચ જિલ્લાના સાઇખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલ્યાકર ફાર્મામાં મધરાતે થયેલા ભયંકર વિસ્ફોટથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર છ કિલોમીટર સુધી અનુભવાઈ હતી. ધરા ધ્રુજી ઉઠી હતી અને આસપાસની અન્ય ફેક્ટરીઓને પણ ભારે નુકસાન થયું હતું.
વિસ્ફોટ પછી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દેખાતા હતા અને આખો વિસ્તાર ધુમ્મસથી ઢંકાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા, અંકલેશ્વર અને દહેજ સહિતના વિસ્તારોની ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.અત્યાર સુધી ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે 24 જેટલા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા રાતોરાત રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
પ્રાથમિક તારણ મુજબ, રાસાયણિક પદાર્થોની પ્રતિક્રિયા અથવા પ્રેશર ટેન્કમાં ખામીથી અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની તપાસ હાલ તંત્ર દ્વારા ચાલુ છે.આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે કંપની મંજૂરી વિના ધમધમી રહી હતી અને GPCB તથા વહીવટી તંત્રે ધ્યાન આપ્યું નહીં. બીજી તરફ, GPCB અધિકારી સુનિલ પટેલે જણાવ્યું કે ટીમ મોકલી સેમ્પલ લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે તેમજ નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાશે.