- દાહોદ ભાજપમાં ભૂકંપ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાઈકમાન્ડની ‘સર્જિકલ સ્ટ્રાઈક’; વર્ષોથી સત્તા ભોગવતા નેતાઓ હવે ઘરભેગા.
- જિલ્લા પંચાયતમાં પરિવર્તન: 50 માંથી 48 બેઠકો જાહેર, 43 બેઠકો પર નવા ચહેરા; પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા સહિતના દિગ્ગજોની બાદબાકી.
- પાલિકામાં ‘ક્લીન સ્વીપ’: 36 માંથી 34 વર્તમાન કાઉન્સિલરોની ટિકિટ કાપી નાખી; નીરજ દેસાઈ અને લખન રાજગોર જેવા નેતાઓ લિસ્ટમાંથી આઉટ.
- સૌથી મોટો અપસેટ: ઝાલોદના ધારાસભ્ય મહેશ ભૂરિયાના પુત્રવધૂ પીનલ ભૂરિયાની ટિકિટ કપાતા રાજકીય ગરમાવો.
- બળવાની આશંકા: ટિકિટ કપાતા અનેક દિગ્ગજો નારાજ; અપક્ષ કે કોંગ્રેસના શરણે જવાની ગણતરીથી ભાજપમાં ફફડાટ.
દાહોદ: દાહોદ જિલ્લાના રાજકારણમાં આજે ભાજપની ઉમેદવારોની યાદી જાહેર થતા જ મોટાપાયે ઉથલપાથલ જોવા મળી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ‘નો-રિપીટ’ થિયરીનો એટલો ચુસ્ત અમલ કરવામાં આવ્યો છે કે વર્ષોથી પક્ષમાં વટ ધરાવતા દિગ્ગજો પણ આ વખતે ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.
🧐જિલ્લા પંચાયતમાં નવા લોહીનો સંચાર:
જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી 48 બેઠકોના નામ જાહેર કરાયા છે. જેમાં આશ્ચર્યજનક રીતે 43 બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને તક આપી યુવા નેતૃત્વ પર દાવ ખેલવામાં આવ્યો છે. પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા, કરણસિંહ ડામોર અને દક્ષાબેન પરમાર જેવા પાયાના નેતાઓની ટિકિટ કાપી નાખવામાં આવતા કાર્યકરોમાં સોપો પડી ગયો છે. સૌથી વધુ ચર્ચા ધારાસભ્ય મહેશ ભૂરિયાના પુત્રવધૂ પીનલ ભૂરિયાની ટિકિટ કપાવાને લઈને થઈ રહી છે.
🗣️નગરપાલિકામાં પણ મસમોટો ફેરફાર:
દાહોદ નગરપાલિકાની વાત કરીએ તો, ભાજપે 36 માંથી 34 વર્તમાન સભ્યોના પત્તા કાપી નાખ્યા છે. માત્ર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લક્ષ્મીબેન ભાટ અને ઇસ્તીયાક સૈયદને જ ફરી તક મળી છે. પૂર્વ પ્રમુખ નીરજ દેસાઈ અને લોકપ્રિય નેતા લખન રાજગોરની બાદબાકી થતા પાલિકાના રાજકારણમાં અજંપો વ્યાપ્યો છે.
👉બચુ ખાબડના પુત્ર પર મીટ:
બીજી તરફ, પીપેરો બેઠક પર હજુ નામ અકબંધ રાખવામાં આવ્યું છે. ચર્ચા છે કે વિવાદોમાં રહેલા પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડને આ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, જેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
☝️બળવાની શક્યતા અને પડકારો:
ભાજપના આ કડક નિર્ણયને કારણે સ્થાનિક સ્તરે નારાજગીનો સૂર ઉઠ્યો છે. જે નેતાઓના પત્તા કપાયા છે તેઓ હવે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરે અથવા કોંગ્રેસનો હાથ પકડે તેવી પ્રબળ શક્યતાઓ છે. જો આવું થશે, તો ભાજપ માટે સત્તા જાળવી રાખવી પડકારજનક બની શકે છે.
ભાજપની આ ‘નો-રિપીટ’ નીતિ દાહોદમાં પક્ષને નવી ઊંચાઈ પર લઈ જશે કે પછી ઘરના જ લોકો પક્ષને નુકસાન પહોંચાડશે, તે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.