ગંભીર પ્રશ્નાર્થ:શિક્ષણ વિભાગનું કામ ભણાવવાનું છે કે રાજકીય કાર્યક્રમોમાં ‘પ્રેક્ષકો’ પૂરા પાડવાનું?
પાલનપુર/બનાસકાંઠા: ગુજરાતમાં એક તરફ ‘ગુણવત્તાયુક્ત શિક્ષણ’ ના મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાંથી એક એવી વરવી વાસ્તવિકતા સામે આવી છે જે શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય બની છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા એક લેટેસ્ટ પરિપત્રએ મોટો વિવાદ છેડ્યો છે. આ આદેશ મુજબ, હજારો મહિલા શિક્ષિકાઓએ શાળામાં બાળકોને ભણાવવાને બદલે વડાપ્રધાનના આગામી કાર્યક્રમમાં હાજર રહેવું પડશે.
🤫શિક્ષિકાઓ બનશે ‘ઇવેન્ટ મેનેજર’:
પરિપત્ર મુજબ, જિલ્લાના ૧૪ તાલુકાઓમાંથી કુલ ૪૩૭૪ મહિલા શિક્ષિકાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ પૈકી ૧૮૦૦ શિક્ષિકાઓને તો ફરજિયાતપણે કાર્યક્રમ સ્થળે હાજર રહેવા જણાવાયું છે. નવાઈની વાત એ છે કે આ શિક્ષિકાઓએ ત્યાં કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિ નથી કરવાની, પરંતુ VIP અને VVIP બેઠક વ્યવસ્થામાં હાજર રહી પ્રેક્ષકોની સંખ્યા વધારવાની અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવવાની છે.
🧐વાલીઓ અને શિક્ષણવિદોમાં આક્રોશ:
જ્યારે એકસાથે હજારો શિક્ષિકાઓ વર્ગખંડ છોડીને સરકારી ઈવેન્ટમાં જોડાશે, ત્યારે તે દિવસે હજારો બાળકોના શિક્ષણનું સ્તર જોખમાશે. વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, “શું સરકાર પાસે ભીડ એકઠી કરવા માટે શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી?” એક તરફ રાજ્યમાં શિક્ષકોની ઘટ હોવાની બૂમો ઉઠી રહી છે, ત્યારે હાજર શિક્ષકોને પણ બિન-શૈક્ષણિક કામોમાં જોતરવામાં આવતા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા થયા છે.
❓લોકશાહી સામે પ્રશ્નાર્થ:
જાહેર જનતાના ટેક્સના પૈસે ચાલતા શિક્ષણ વિભાગનો ઉપયોગ જ્યારે રાજકીય કાર્યક્રમોમાં ‘ભીડ વધારવાના સાધન’ તરીકે થાય, ત્યારે તે લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડે છે. શું આ રીતે ગુજરાતનું શિક્ષણ મોડેલ વિશ્વમાં ડંકો વગાડશે? તેવો તીખો સવાલ અત્યારે સોશિયલ મીડિયા પર પણ ગુંજી રહ્યો છે.
🫵વર્ગખંડના ચોક-ડસ્ટર મૂકીને જ્યારે શિક્ષકોને સભાના મેદાનમાં ઉતારવામાં આવે, ત્યારે નુકસાન માત્ર બાળકનું નથી, પણ આવતીકાલના ભવિષ્યનું છે.