Gujarat

ગુજરાત : રિક્ષા ચાલકોનો સરકાર સામે ‘આર-પાર’નો જંગ; “અમને ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતા આપો, ભીખ નહીં!”

Published

on

  • રિક્ષા યુનિયનની લાલ આંખ: “અન્ય વ્યવસાયો પોતાનું મહેનતાણું નક્કી કરી શકે, તો રિક્ષાના ભાડાં જ સરકાર કેમ નક્કી કરે?”
  • બંધારણીય સવાલ: રિક્ષા યુનિયનનો આક્ષેપ; સરકારી નીતિ આર્ટિકલ-14 સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
  • સીએનજીના ભાવનો માર: વધતી મોંઘવારીમાં ભાડાં વધારવા માટે સરકાર પાસે વારંવાર રજૂઆત કરવી પડતી હોવાથી ડ્રાઇવરોમાં ભારે રોષ.
  • આંદોલનની ચીમકી: ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતા નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે અસહકાર આંદોલનની તૈયારી.

ગુજરાત: રાજ્યમાં ઓટોરિક્ષાના ભાડાંના મુદ્દે સરકાર અને રિક્ષા ચાલકો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. રિક્ષા ચાલક યુનિયને રાજ્ય સરકારની ભાડાં નક્કી કરવાની નીતિને આડે હાથ લેતા સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે સ્કૂલ વાન, ટેક્સી, બસ, ટ્રક, ડોક્ટર, વકીલ અને બિલ્ડર સહિતના વ્યવસાયકારો પોતાનું મહેનતાણું જાતે નક્કી કરી શકે છે, તો માત્ર રિક્ષા ચાલકો સાથે જ આ ભેદભાવ કેમ?

🧐કાયદાના અમલ સામે સવાલો:

યુનિયનના પ્રતિનિધિઓએ મોટર વ્હીકલ એક્ટની કલમ-67નો હવાલો આપતા જણાવ્યું હતું કે, કાયદો તો પીળી નંબર પ્લેટવાળા તમામ વાહનો માટે એકસમાન છે, પરંતુ તેનો અમલ માત્ર રિક્ષા ચાલકો પર જ કેમ કરવામાં આવે છે? યુનિયનના મતે આ નીતિ ભારતીય બંધારણના આર્ટિકલ-14 હેઠળ મળતા સમાનતાના અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

🗣️“અમને સ્વતંત્રતા જોઈએ, ભીખ નહીં”:

સીએનજીના સતત વધતા ભાવોને કારણે રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. ડ્રાઇવરોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, “સરકાર એકવાર ભાડું વધારી આપે, પણ બીજા દિવસે સીએનજી ભાવ વધે ત્યારે શું ફરી સરકાર પાસે ભીખ માંગવી પડે? અમને અમારો અધિકાર અને સ્વતંત્રતા મળવી જોઈએ.” યુનિયને માંગ કરી છે કે તેમને બજારના ભાવ પ્રમાણે ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતા આપવામાં આવે.

🫵રિક્ષા ચાલકો હવે લાંબી રાહ જોવાના મૂડમાં નથી. જો સરકાર દ્વારા આ મુદ્દે કોઈ કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, તો આવનારા દિવસોમાં રાજ્યમાં અસહકાર આંદોલન છેડાઈ શકે છે, જેની સીધી અસર જનસાધારણના પરિવહન પર પડશે. શું સરકાર આ રિક્ષા ચાલકોની વેદના સમજશે?

Trending

Exit mobile version