સત્તાનો સંઘર્ષ:સ્થાનિક સ્વરાજ્યની 10,005 બેઠકો માટે 50,000 દાવેદારો; એક બેઠક પર 5 મૂરતિયા પક્ષ માટે બન્યા માથાનો દુખાવો.
પીસાતો મધ્ય વર્ગ:35 થી 50થી વર્ષની વયના કાર્યકરોની હાલત કફોડી; ન યુવાનમાં ગણતરી, ન સીનિયરમાં સ્થાન.
આયાતી નેતાઓનો દબદબો:પાયાના કાર્યકરોનો લોહી-પરસેવો અને પેરાશૂટ લેન્ડિંગ કરતા નેતાઓ વચ્ચે જામી જંગ.
વૈચારિક મજબૂરી:“આપણે તો ગાભા જ મારવાના?” – સોશિયલ મીડિયા પર છલકાયું પાયાના કાર્યકરોનું દર્દ.
મૌલિક પટેલ(એડિટર): કહેવાય છે કે કોઈપણ સંગઠન જ્યારે અતિ વિશાળ બને છે, ત્યારે તે પોતાના જ વજન નીચે દબાવા લાગે છે. ગુજરાત ભાજપમાં હાલ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. દોઢ કરોડ પ્રાથમિક સભ્યો અને મજબૂત સંગઠન માળખું ધરાવતી પાર્ટી હવે ‘મજબૂત’ નહીં પણ પોતાની આંતરિક વ્યવસ્થાથી ‘મજબૂર’ દેખાઈ રહી છે.
☝️દાવેદારોનો રાફડો અને નિયમોની માયાજાળ:
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓમાં 10,005 બેઠકો પર જંગ ખેલાવાનો છે. આ બેઠકો માટે 50,000 થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. એટલે કે એક બેઠક પર સરેરાશ 5 દાવેદારો. આ સ્થિતિમાં પક્ષ માટે દરેકને રાજી રાખવા અશક્ય છે. ત્યારે અચાનક જાહેર થતા ‘નવા નિયમો’ ટિકિટ વાન્છુ કાર્યકરોનું મનોબળ તોડી રહ્યા છે.
🗣️જુના જોગીઓ વિરુદ્ધ નવી પેઢી:
પક્ષમાં છેલ્લા 10-15 વર્ષથી સત્તા ભોગવતા ‘જુના જોગીઓ’ જગ્યા ખાલી કરવા તૈયાર નથી, તો બીજી તરફ હાઈકમાન્ડ યુવાનોને તક આપવા મથામણ કરી રહ્યું છે. આ ખેંચતાણમાં 35 થી 55 વર્ષની વયનો એ કાર્યકર વર્ગ પીસાઈ રહ્યો છે જેણે પક્ષના ઉદય માટે રાત-દિવસ એક કર્યા છે. આ વર્ગ હવે ન તો યુવા મોરચામાં ફીટ બેસે છે, ન તો સીનિયર સિટિઝનની યાદીમાં.
🧹“આપણે તો ગાભા જ મારવાના?”
સોશિયલ મીડિયા પર કાર્યકરોનો આક્રોશ હવે છૂપો રહ્યો નથી. “આપણે તો માત્ર પાથરણા જ પાથરવાના?” કે “આપણે તો ગાભા જ મારવાના?” જેવા કટાક્ષો પાયાના કાર્યકરની પીડા દર્શાવે છે. ખાસ કરીને અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓને જ્યારે મહત્વના હોદ્દા મળે છે, ત્યારે વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતો કાર્યકર ખુદને ઠગાયેલો અનુભવે છે. પક્ષ છોડી શકાય તેમ નથી કારણ કે લડાઈ વિચારધારાની છે, અને જે પરિવારને સીંચ્યો હોય તેને ઠુકરાવવો વસમો લાગે છે.
🧐નિયમોની સગવડતા અને ભવિષ્યનો ખતરો:
‘એક વ્યક્તિ, એક હોદ્દો’ જેવા નિયમો ક્યાંય કાગળ પર લખાયેલા જોવા મળતા નથી, માત્ર અનુકૂળતા મુજબ તેના અમલ અને ભંગની વાતો સંભળાય છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે જો ભાજપ પોતાના આ વિશાળ પરિવારમાં ઉભરી રહેલા અસંતોષ અને ન્યાયની માંગણીને યોગ્ય રીતે નહીં ઉકેલે, તો આગામી દાયકામાં ગુજરાતમાં ‘ભાજપ વિરુદ્ધ ભાજપ’નો જ ખેલ જોવા મળી શકે છે.
🫵 શું ભાજપમાં આંતરિક વિખવાદની જ્વાળાઓ ભવિષ્યમાં ભારે પડશે?સત્તાના શિખરે બેઠેલા વડીલો માટે આ કાર્યકરોનો અવાજ સાંભળવો હવે અનિવાર્ય બન્યો છે.