રાત્રીના સમયે તેમની લારી પર દિવ્યાંગની લારી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ વાંચી શકાયું ન્હતું – પિન્કીબેન સોની, મેયર
વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બાદ પાલિકા દ્વારા ઠેર ઠેર દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. ત્યારે 19 માર્ચે પાલિકાની ટીમ દ્વારા રાત્રીના સમયે સ્ટેશન વિસ્તારમાંથી ચક્ષુ દિવ્યાંગજનોની લારી ઉઠાવી લેવામાં આવી હતી. જેને પગલે બે ચક્ષુ દિવ્યાંગજનોએ પોતાનું આવકનું સાધન ગુમાવ્યું હતું. તેને છોડવા માટે પ્રતિ લારી રૂ. 2,500 માંગવામાં આવતા બંને આજે પાલિકાની કચેરીએ આવી પહોંચ્યા હતા. અને મેયરને રજુઆત કરી હતી. જે બાદ મેયર બંનેની હાજરીમાં અધિકારી જોડે વાત કરીને તેમની લારી નડતરરૂપ ના થાય તે રીતે પરત મુકી આપવાના નિર્દેશ કર્યા હતા. મેયરે જણાવ્યું કે, લારી પરત કરવામાં આવશે, અને તેમની જોડેથી કોઇ ચાર્જ વસૂલવામાં નહીં આવે.
ગલ્લો ચલાવીને પોતાનું તથા પરિવારનું જીવન ગુજરાન ચલાવતા ચક્ષુ દિવ્યાંગ મહિલાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમારી કડક બજારના સામે લારીઓ હતી. અમે વેફર,બિસ્કીટ, પાણીની બોટલ વેચીને ગુજરાન ચલાવતા હતા. 19, માર્ચે રાત્રે લારી લઇ ગયા છે. અમને રોટરી ક્લબ તરફથી લારી મળી હતી. અમને લારી છોડાવી આપે, તો તેના પર અમારૂ ગુજરાન ચાલે તે માટે રજુઆત કરવા શહેરના પ્રથમ નાગરિક મેયર પાસે આવ્યા છીએ. અમે જયસ્વાલ સાહેબ પાસે ગયા હતા. તેમના પીએએ સાહેબ જોડે વાત કરવાનું કહ્યું હતું, બાદમાં જણાવ્યું કે, રૂ. 2,500 ભરીને લારી છોડાશે. મને સાહેબને મળવા દીધા નથી. અમને લારી છોડાવી આપે તેવી રજુઆત કરવા આવ્યા છીએ. તેમણે અમને મદદ કરવી જોઇએ. તેમણે અમારી રોજીરોટી છીનવી છે, અને અમને ભૂખ્યા રાખી રહ્યા છે.
મેયર પિન્કીબેન સોનીએે જણાવ્યું કે, બે ચક્ષુ દિવ્યાંગજનો મને મળવા આવ્યા હતા. અકસ્માતની શક્યતાઓને ધ્યાને રાખીને પાલિકા દ્વારા લાગી-ગલ્લા ઉઠાવવામાં આવ્યા છે. રાતના અંધારામાં ચક્ષુ દિવ્યાંગની લારી પણ ઉઠાવી લેવામાં આવી છે. રાત્રીના સમયે તેમની લારી પર દિવ્યાંગની લારી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ વાંચી શકાયું ન્હતું. મેં અધિકારીને તેમની હાજરીમાં બોલાવીને, અને તેમની લારી યોગ્ય નિયમાનુસાર પાછી મુકી આપવામાં આવશે. આપણે તેમની પાસેથી કોઇ ચાર્જ લેવાના નથી. દિવ્યાંગોની લારી પાલિકા દ્વારા ઉઠાવવામાં આવતી નથી.