- મુક્કાબાજી થઇ હોવાનો વીડિયા સપાટી પર આવવા પામ્યો, ભરચક મેદાનમાં આ ઘટના સામે આવતા મહિલાઓ ખુબ ડરી ગઇ
વડોદરા ના રાજવી પરિવાર દ્વારા પ્રેરિત લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા રોજ નીતનવા વિવાદ માં આવી રહ્યું છે. તાજેતરમાં એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ વચ્ચે મુક્કાબાજી થઇ હોવાનો વીડિયા સપાટી પર આવવા પામ્યો છે. ખેલૈયાઓથી ભરચક મેદાનમાં આ ઘટના સામે આવતા મહિલાઓ ખુબ ડરી ગઇ હતી. જો કે, થોડાક સમય સામસામે મુક્કા ચાલ્યા બાદ સિક્યોરીટી બાઉન્સરોએ દરમિયાનગીરી કરીને યુવાનોને દુર કર્યા હતા. આ વર્ષે ગરબા ઓછા અને વિવાદ વધારે લોકચર્ચા પામી રહ્યો છે.
વડોદરામાં મોટા ગરબા આયોજનો પહેલાથી જ અલગ અલગ પ્રકારના વિવાદોમાં આવી રહ્યા છે. તેમાં ખાસ રાજવી પરિવાર દ્વારા પ્રેરિત લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા રોજ અલગ અલગ કારણોસર વિવાદમાં સપડાઇ રહ્યું છે. હલકી ગુણવત્તાના પાસ ગુમ થયા બાદ ફરી ઇશ્યુ કરાવવાનો મુદ્દો હોય કે પછી અમેરિકન સિટીઝન દિકરી જોડે ગેરવર્તણુંક અનેક મામલે એલવીપી ગરબાનું બોગસ આયોજન ચર્ચામાં રહ્યું છે. ત્યારે હવે નવો વિવાદ પણ જોડાયો છે. આ વાતની સાબિતી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.
વીડિયોમાં દેખાયા અનુસાર, એલવીપી ગરબા ગ્રાઉન્ડ ગરબા ખેલૈયાઓથી ખીચોખીચ ભરેલું છે. દરમિયાન યુવાનો એકબીજા પર મુક્કા વરસાવી રહ્યા છે. આ મુક્કેબાજીને આસપાસના લોકો જોઇ રહ્યા છે. પરંતુ કોઇ છોડાવવાનો પ્રયત્ન નથી કરતું. તેવામાં લડાઇ ઓર તિવ્ર બને છે, અને જોરમાં મુક્કાઓ એકબીજા પર વરસાવવામાં આવી રહ્યા છે. દરમિયાન સિક્યોટીરીના બાઉન્સરોએ આવીને તમામને છુટ્ટા પાડ્યા હતા.
વીડિયોમાં આ ઘટના સમયે આસપાસમાં હાજર મહિલાઓ ભારે ડરી ગઇ હોવાના હાવભાવ તેમના મોઢા પર જોવા મળી રહ્યા છે. જો કે, આ પહેલી વખતની ઘટના નહીં હોવાનો ગણગણાટ ગરબા ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે.