- અમે તાત્કાલિક આવી પહોંચ્યા હતા. બદામડી બાગ અને વડીવાડીનો સ્ટાફ અહિંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે – ફાયર ઓફિસર
- વિશ્વામિત્રી નદીમાં મહિલાએ ભૂસકો મારતા સ્થાનિકો દોડ્યા
- મહિલાને બચાવવાના સ્થાનિકોમાં પ્રયાસોમાં સફળતા ના મળી
- નદીના ચાલુ વહેણ વચ્ચે પડકારનજક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
વડોદરા ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી માં આજે સાંજના સમયે એક મહિલાએ ભૂસકો માર્યો છે. આ ઘટના અંગે સ્થાનિકોએ કોર્પોરેટર ભાણજીભાઇ પટેલને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. દરમિયાન તેમણે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરતા તેમણે તુરંત ફાયર વિભાગની ટીમોને મોકલી આપી હતી. હાલ બે ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્ટેન્ડ બાય કરીને મુકવામાં આવ્યો છે. બે બોટ અલગ અલગ કાંઠાની જગ્યાએ શોધખોળ હાથ ધરી રહી છે. આ મહિલાને બચાવવા માટે રસ્સો પણ નાંખવામાં આવ્યો હતો. પરંતુ મહિલા તે રસ્સો પકડી શકી ન્હતી.
સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટર ભાણજીભાઇ પટેલે મીડિયાને જણાવ્યું કે, હું સિટીમાંથી આવતો હતો. તેમાં મને સ્થાનિકોનો ફોન આવ્યો હતો. તેમણે મને જાણ કરી કે, એક મહિલાએ અગોરા મોલ પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું છે. સ્થાનિકોએ તેમને બચાવવા રસ્સી પણ નાંખી હતી. પરંતુ તેઓ પકડી શક્યા ન્હતા. આ અંગે મેં મ્યુનિસિપલ કમિશનરને જાણ કરતા તેમણે તુરંત ફાયરની ટીમોને મોકલી આપી હતી. હાલ સમા પોલીસ મથકના પીઆઇ સહિતના જવાનો પણ સ્થળ પર હાજર છે. હાલની સ્થિતીએ મહિલા અજાણી છે. મારૂં માનવું છે કે, આ મહિલા સ્થાનિક હોવી જોઇએ.
સમગ્ર મામલે ફાયર ઓફિસર નિકુંજ આઝાદે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમને કોલ મળતા અમે તાત્કાલિક આવી પહોંચ્યા હતા. બદામડી બાગ અને વડીવાડીનો સ્ટાફ અહિંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. મહિલાએ કોઇ કારણોસર નદીમાં ભૂસકો માર્યો છે. મહિલાએ ભૂસકો મારતા સમયે તેને જોયા તે વ્યક્તિઓ પણ અમારી સાથે જ છે. અમે ત્રણ ટીમો અહિંયા શોધવાની કામગીરીમાં લાગી છે. સ્થાનિકો દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. નદીનું વહેણ હાલ ચાલુ છે, જેથી બોટ તુરંત નદીમાં ના મુકી શકાય, જેથી દુરથી બોટ મુકવામાં આવી રહી છે. બંને બોટ અલગ અલગ કિનારા વિસ્તારમાં કામ કરશે.