વડોદરા પાલિકાના પદાધિકારીઓને ગાંધીનગરનું તેડું આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. વડોદરાના આગામી વિકાસના કાર્યોના આયોજનને લઇને આ તેડું આવ્યું હોવાનું સાશકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ પાલિકા દ્વારા નબળા રોડ-રસ્તા, દશામાંની મૂર્તિઓના વિસર્જનમાં અવ્યવસ્થા, થોડાક જ વરસાદમાં પૂરની સ્થિતી જેવા મામાલે ફટકાર પડવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મેયર બહારગામ હોવાથી તેમની ગેરહાજરીમાં પાલિકાના પદાધિકારીઓની મીટિંગ મળી હતી.
વિતેલા ત્રણ માસમાં વડોદરા નબળા રોડ-રસ્તા, દશામાંની મૂર્તિઓના વિસર્જનમાં અવ્યવસ્થા, થોડાક જ વરસાદમાં પૂરની સ્થિતી જેવા મુદ્દાઓ પર પાલિકાનું આબરુનું ધોવાણ થયું છે. આ ઘટનાક્રમ બાદ આજે પાલિકાના પદાધિકારીઓને ગાંધીનગરથી તેડું આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. સાશકોના જણાવ્યા અનુસાર, ગતસાંજે જ મુખ્યમંત્રીના આમંત્રણ અંગેની જાણ થઇ હતી. જેના અનુસંધાને આજે મીટિંગ બોલાવીને મુદ્દાસર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવ્યા છે.
ડે. મેયર ચિરાગ બારોટે જણાવ્યું કે, મેયર બહારગામ છે. આજે મુખ્યમંત્રીને ત્યાં ગાંધીનગર મીટિંગ છે. વડોદરાના વિકાસ માટે કયા મુદ્દાઓ લેવા અને કેવી રીતે રજુઆત કરવી તે વિષયને લઇને મીટિંગ રાખવામાં આવી હતી. ગઇ કાલે સાંજે જ અમને ગાંધીનગર આવવા માટે મેસેજ મળ્યો હતો. આજે સવારે જ ટીમ નક્કી કરવામાં આવી છે. મેયર બહારગામ હોવાથી અમે આ મીટિંગ કરી છે. વડોદરા શહેરના બધા જ વિષયોને લઇને મીટિંગ છે, કોઇ એક વિષય માટે નથી. સિટી એન્જિનીયર સિવાય કોઇ પણ વિભાગના હેડ હાજર ન્હતા.
પાલિકાના ચેરમેન શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા વડોદરાના આગામી સર્વાંગી વિકાસ માટે વડોદરાના પદાધિકારીઓ અને ધારાસભ્યોને આમંત્રિત કર્યા છે. આગામી આયોજન અંગે શું કરવા જેવા છે, તે માટે મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનીયર તથા અન્ય સાથે મીટિંગ કરવામાં આવી હતી. તે બાબતની ચર્ચા હતી. અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. દશામાંની મૂર્તિઓના વિસર્જન ટાણે જે કોઇ ગેરવ્યવસ્થા સર્જાઇ હતી, તેનું નિરાકરણ અમે લાવ્યા છીએ. ધાર્યા કરતા વધારે મૂર્તિઓ વિસર્જન માટે આવતા અવ્યવસ્થા સર્જાઇ, તેના માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. વડોદરામાં રંગેચંગે ગણેશોસ્તવ મનાવાય, પર્યાવરણની જાળવણી થાય, લોકોની શ્રદ્ધાને કોઇ નુકશાન ન થાય તેવા પ્રયાસો છે.