પશુપાલકોને આર્થિક દંડ:વહીવટી તંત્રે સ્થળ પર જ દંડ ફટકારી કડક સૂચના આપી; ફરી ગંદકી કરશો તો નોંધાશે ગુનો.
વોર્ડ 15 માં એક્શન:સ્માર્ટ સિટીની સુંદરતા બગાડનારા તત્વોની હવે ખેર નથી; પાલિકાની ટીમો મેદાને.
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ કેટલાક પશુપાલકો દ્વારા જાહેર માર્ગોના ડિવાઇડર પર છાણા થાપીને ગંદકી ફેલાવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને VMC ના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા આજે વોર્ડ નંબર 15 માં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
🧐સમગ્ર કાર્યવાહીની વિગત:
વોર્ડ 15થી ના અંબિકાધામ થી ડી-માર્ટ સુધીના મુખ્ય માર્ગ પર આવેલા ડિવાઇડરોને પશુપાલકોએ છાણા થાપવાના અડ્ડા બનાવી દીધા હતા. આના કારણે રોડ પર દુર્ગંધ ફેલાવાની સાથે સ્માર્ટ સિટીની સુંદરતા પર પણ ડાઘ લાગતો હતો. આજે ડો. વિવેક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે અચાનક દરોડો પાડી ડિવાઇડર પર થાપેલા તમામ છાણાં જપ્ત કર્યા હતા.
👉તંત્રની કડક ચેતવણી:
આ કામગીરી દરમિયાન પશુપાલકો પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાહેર મિલકતો અને રોડના ડિવાઇડરનો ઉપયોગ વ્યક્તિગત કામ માટે કે ગંદકી ફેલાવવા માટે કરી શકાય નહીં. જો આગામી દિવસોમાં ફરી આવી પ્રવૃત્તિ જોવા મળશે, તો પશુપાલકો સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.
“શહેરના મુખ્ય માર્ગોના ડિવાઇડર પર છાણા થાપીને ગંદકી ફેલાવનારા પશુપાલકો સામે અમે ઝુંબેશ શરૂ કરી છે. આજે વોર્ડ 15 માંથી મોટી સંખ્યામાં છાણાં જપ્ત કરી દંડ વસૂલ્યો છે. વડોદરાવાસીઓને અપીલ છે કે શહેરની સુંદરતા જાળવવામાં સાથ આપે.”