વડોદરા ગાજરાવાડી થી ડભોઈ રોડ સુધી કોર્પોરેશનની પાઇપલાઇન કામગીરી દિવાળી પહેલાં પૂર્ણ થઈ.
- કામ બાદ માર્ગનું યોગ્ય કાર્પેટિંગ ન થતા અડધો રસ્તો નકામો બન્યો
- એક બાજુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને બીજી બાજુ સીએનજી સ્ટેશન હોવાથી ટ્રાફિકનો બોજ વધ્યો
- વરસાદથી ખાડા અને કાદવના કારણે હાલત વધુ ખરાબ થઇ,સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ અને તાત્કાલિક મરામતની માંગ
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારના લોકોએ હાલમાં માર્ગની ખરાબ સ્થિતિને કારણે ભારે હાલાકી અનુભવી રહી છે. ગાજરાવાડી થી ડભોઈ રોડ સુધી કોર્પોરેશન દ્વારા દિવાળી પહેલાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયેલ હતી. જોકે, કાર્ય પૂર્ણ થયા બાદ માર્ગનું યોગ્ય રીતે કાર્પેટિંગ ન થતા અડધો રોડ નકામો બની ગયો છે.
રસ્તાની એક બાજુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને બીજી તરફ સીએનજી સ્ટેશન આવેલું હોવાથી અહીં સતત વાહનોની અવરજવર રહે છે. સ્ટેશન પર રિફિલ માટે આવતી વાહનોની લાઇનને કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે. વરસાદી દિવસોમાં ખાડા અને કાદવના કારણે હાલત વધુ ખરાબ બની છે.
સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગ ક્ષેત્રના લોકો કોર્પોરેશનને તાત્કાલિક માર્ગ મરામત કરવાની માંગ કરી રહ્યા છે જેથી માર્ગ વ્યવસ્થા ફરી સુઘડ બને અને વાહનચાલકોને રાહત મળી શકે.