વડોદરા શહેરના જવાહર નગર પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડા બાદ વોન્ટેડ આરોપી કુણાલ રમણભાઈ કહારને વડોદરા શહેર પીસીબી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. કુણાલ કહાર પર મારામારી તેમજ પ્રોહીબિશનના 31 જેટલા ગુના નોંધાયા છે જ્યારે વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કરવાના કેસમાં પીસીબી શાખાએ તેની ધરપકડ કરી છે.
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતો કુણાલ રમણભાઈ કહહાર તેમજ તેનો ભાઈ સુરજ ઉર્ફે ચૂઈ કહાર અસામાજિક પ્રવૃત્તિ તેમજ વિદેશી શરાબની હેરાફેરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. તાજેતરમાં જવાહર નગર પોલીસ મથક વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતમાં ગોડાઉન ભાડે રાખીને મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. જેની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપી કુનાલ કહારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. શરાબનું ગોડાઉન પકડાયા બાદ જવાહર નગર પોલીસ મથકના તત્કાલીન પી.આઇ શેખને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ ગુન્હાની તપાસ સયાજીગંજ પોલીસ મથકને સોંપવામાં આવી હતી.
આ દરમિયાન કુણાલ રમણભાઈ કહારને બદલે કૃણાલ નામના ગોળીયા-કહાર અટક ધરાવતો અન્ય શખ્સ નાટ્યાત્મક રીતે કોર્ટમાં હાજર થઈ ગયો હતો. અને પોતે શરાબના ગોડાઉનના કેસમાં સંડોવાયેલો કુનાલ કહાર હોવાનું હાજર થયેલા આરોપીએ કબૂલ્યું હતું. જોકે ડમી આરોપીને હાજર કરવાના કિસ્સામાં પોલીસે સ્પષ્ટતા આપી હતી અને મૂળ આરોપી કુણાલ કહાર હજી વોન્ટેડ છે તેમ સયાજીગંજ પોલીસે જણાવ્યું હતું.
આ દરમિયાન શહેર પીસીબી શાખાની ટીમને બાપની મળી હતી કે વોન્ટેડ આરોપી કૃણાલ રમણભાઈ કહાર સુરત ગયો છે અને કામરેજ ચોકડી પાસે રહે છે. જે માહિતીના આધારે પીસીબી શાખાની ટીમ સુરત ખાતે આરોપીને ઝડપી પાડવા માટે રવાના થઈ હતી અને કામરેજ ચોકડી નજીક બાતમીના આધારે કુણાલ રમણભાઈ કહારની ધરપકડ કરવામાં આવી હતી.
 આરોપી કૃણાલ રમણભાઈ કાહાર ઉપર વર્ષ 2011 થી હાલ સુધીમાં 31 જેટલા પ્રોહિબિશન તેમજ મારામારીના કેસો નોંધાયેલા છે.કૃણાલ કહારને એકવાર તડીપાર તેમજ બે વાર પાસા પણ કરવામાં આવી છે.