વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. શહેરના ખૂણેખાંચરે શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં યુવાનો અને યુવતીઓ ઉત્સાહપૂર્વક ગરબાનો આનંદ માણી રહ્યા છે.
રાજમહેલ રોડ પર આવેલ દયાળભાઉના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા 68 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે “મારી દિકરી મારા આંગણે” અને “બેટી બચાવો, બેટી પઢાવો જેવી થીમ પર વિશેષ ગરબા મહોત્સવ યોજાયો છે. આ પ્રસંગે ખાસ કરીને રશિયાના સાંસદ સાથે વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગરબે ઘૂમતા સૌનું મન જીતી લીધું.
જ્યારે ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો, યુવતીઓ, નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરી મન મુકીને ગરબા રમી આનંદ માણ્યો હતો. માતાપિતા પોતાના દીકરા- દિકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા. દયાળભાઉના ખાંચામાં યોજાતા આ શેરી ગરબા શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ બની રહ્યા છે.