- ગુજસીટોકનો મોટો ગુનો ડીટેક્ટ: વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક (GUJCTOC) અને જવાહરનગરના વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી આખરે જેલભેગો.
- ધરપકડ ટાળવા ભાગતો ફરતો હતો: વડોદરા છોડીને અન્ય જિલ્લામાં આશ્રય લેનાર લાલુ સિંધીને ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન-ટેકનિકલ સોર્સના આધારે ટ્રેક કર્યો.
- માલપુર રોડ પર ફિલ્મી ઢબે વોચ: શહેરાથી મોડાસા જતી લક્ઝુરિયસ કિયા સેલ્ટોસ (Kia Seltos) કારને આંતરીને પોલીસે દબોચ્યો.
- 80 ગુનાનો હિસ્ટ્રીશીટર: વિદેશી દારૂની હેરાફેરી, ખૂન, ખંડણી અને મારામારી જેવા ગંભીર ગુનાઓનો આંકડો 80 વટાવનાર કુખ્યાત ગુનેગાર.
વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી (Organized Crime) અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ચલાવતા અસામાજિક તત્વો સામે લાલઆંખ કરવા માટે માનનીય પોલીસ કમિશ્નર અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તરફથી ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમો નાસતા-ફરતા અને માથાભારે ગુનેગારોને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન વડોદરાના અત્યંત કુખ્યાત અને રીઢા પ્રોહિબિશન બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધીને મોડાસાના માલપુર ખાતેથી નાટકીય ઢબે ઝડપી પાડવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને એક બહુ જ મોટી અને ઐતિહાસિક સફળતા હાથ લાગી છે.
🧐ગુજસીટોક અને દારૂના મોટા કેસમાં હતો વોન્ટેડ:
પોલીસના જણાવ્યા અનુસાર, વારશિયા વિસ્તારમાં રહેતો પ્રોહિબિશન બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધી વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સંગઠિત ગુનાખોરીના કાયદા એટલે કે ગુજસીટોક (G.C.T.O.C) કલમ- 3(1), 3(2), 3(4) તથા 4(5) ના ગંભીર ગુનામાં તેમજ જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલો હતો. આ બંને ગુનાઓમાં પોલીસ પોતાની ધરપકડ ન કરે તે માટે તે વડોદરા છોડીને ફરાર થઈ ગયો હતો અને લાંબા સમયથી નાસતો-ફરતો હતો.
🚨માલપુર પાસે ખાનગી રાહે વોચ ગોઠવી દબોચ્યો:
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ હાઈ-પ્રોફાઈલ આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ આધારિત સતત શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસને કડીરૂપ બાતમી મળી હતી કે આરોપી લાલુ સિંધી હાલ વડોદરા બહાર છે અને તે પોતાની કિયા સેલ્ટોસ કાર લઈને શહેરાથી મોડાસા તરફ જતા રોડ પર આવેલા માલપુર થઈને પસાર થવાનો છે. આ પાકી માહિતિ મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક માલપુર પહોંચી હતી અને રોડ પર છૂટાછવાયા ખાનગી ડ્રેસમાં વોચ ગોઠવી દીધી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની કિયા સેલ્ટોસ કાર ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને ઊભી રખાવી હતી. કારમાં તપાસ કરતા અંદરથી નાસતો-ફરતો લાલુ સિંધી મળી આવતા પોલીસે તેને રંગેહાથ દબોચી લીધો હતો.
👉ઝડપાયેલા આરોપીનું નામ અને સરનામું:
- લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમનદાસ ખાનાની (ઉં.વ. 48, રહે. રોયલ હાઇટ્સ, ધોબી તળાવ પાસે, વારશિયા, વડોદરા શહેર).
🚨80 ગુના અને 7 વખત પાસા (PASA) નો રેકોર્ડ:
પકડાયેલો આરોપી લાલુ સિંધી વડોદરા અને ગુજરાતના ગુનાહિત જગતમાં એક બહુ મોટું અને માથાભારે નામ છે. આ આરોપીની ગુનાહિત કુંડળી જોતા પોલીસ પણ ચોંકી ઉઠી છે, કારણ કે તેની સામે અગાઉ ગુજરાતના જુદા-જુદા પોલીસ મથકોમાં વિદેશી દારૂની હેરાફેરી, ખૂન (Murder), ખંડણી (Extortion) અને આતંક મચાવીને મારામારી કરવા સહિતના કુલ 80 (એંસી) જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેની આ ભયાનક ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે જ ભૂતકાળમાં તેને 07 (સાત) વખત પાસા (PASA) હેઠળ ગુજરાત રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલવામાં આવી ચૂક્યો છે.
આરોપીની પ્રાથમિક પૂછપરછ અને ખાતરી બાદ તે ગુજસીટોક અને વિદેશી દારૂના બંને ગુનામાં વોન્ટેડ હોવાનું કન્ફર્મ થતાં, નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજસીટોકના ગુનાની વધુ તપાસ એફ-ડિવિઝનના એ.સી.પી. (ACP) કરી રહ્યા હોવાથી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીનો કબજો આગળની ઘનિષ્ઠ તપાસ અને કાયદાકીય કાર્યવાહી માટે તેઓને સોંપવામાં આવ્યો છે.