અમિતનગર સર્કલ પર દાદાગીરી:અમદાવાદ-વડોદરા વચ્ચે મુસાફરો ભરવા જેવી સામાન્ય બાબતે ૫ શખ્સોએ મચાવ્યો આતંક.
લોહિયાળ હુમલો:ઈકો ચાલક હરીશ ગઢવી પર લોખંડના પાઈપ અને હથિયારોથી પ્રહાર; ઈજાગ્રસ્તને સારવાર અર્થે SSG ખસેડાયો.
પોલીસ પર માછલાં ધોવાયા:“અગાઉ અરજી કરવા છતાં હરણી પોલીસે કંઈ જ ન કર્યું” – હોસ્પિટલના બિછાનેથી ઈજાગ્રસ્તનો ગંભીર આક્ષેપ.
મહેશ સરદારજી ગેંગ:અવારનવાર દાદાગીરી કરતા શખ્સો સામે હરણી પોલીસના ‘ઢીલા’ વલણથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાનું પ્રવેશદ્વાર ગણાતું અને સતત મુસાફરોથી ધમધમતું અમિતનગર સર્કલ આજે સવારે લોહિયાળ બન્યું હતું. અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતા ખાનગી વાહનોમાં મુસાફરો બેસાડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
📌ઘટનાની વિગત:
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ હરીશ ગઢવી નામનો યુવક પોતાની ઈકો ગાડીમાં અમદાવાદ જવા માટે મુસાફરો બેસાડી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર મહેશ સરદારજી નામના શખ્સ અને તેના સાગરીતો સાથે મુસાફરો ભરવા બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને મહેશ સહિત પાંચ શખ્સોએ હરીશ પર લોખંડના પાઈપ અને જીવલેણ હથિયારો વડે તૂટી પડ્યા હતા.
🚨પોલીસની નિષ્ફળતાના 🧐આક્ષેપ:
આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હરીશ ગઢવીને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના બિછાનેથી હરીશે હરણી પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “આ શખ્સો અવારનવાર દાદાગીરી કરે છે. મેં અગાઉ પણ હરણી પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી, પરંતુ પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નથી. જો તે સમયે પોલીસે પગલાં લીધા હોત, તો આજે આ લોહિયાળ ઘટના ન બની હોત.”
🧐પરિવારમાં રોષ:
હુમલાખોરોની હિંમત એટલી વધી ગઈ છે કે જાહેર માર્ગ પર લોકોની હાજરીમાં જ તેમણે હરીશ પર હુમલો કર્યો હતો. હરીશના પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસના મેળાપીપણા અથવા નિષ્ક્રિયતાને કારણે જ આવા શખ્સો બેફામ બન્યા છે. હાલમાં સયાજીગંજ અને હરણી પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
🫵શું અમિતનગર સર્કલ પર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની હાજરી હોવા છતાં ખાનગી વાહન ચાલકોની દાદાગીરી આમ જ ચાલતી રહેશે?