Vadodara

વડોદરા: તબીબને હનીટ્રેપમાં ફસાવી ₹6.10 લાખ પડાવનાર ટોળકી હજુ પણ ફરાર,પોલીસની તપાસ તેજ

Published

on

  • 5 દિવસ વિત્યા છતાં ધરપકડ શૂન્ય: નકલી પોલીસ બની તબીબને લૂંટનારા આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર.
  • હનીટ્રેપનો ખેલ: અમદાવાદની કૃપાલી પટેલે નાસ્તાના બહાને બોલાવી તબીબને કેનાલ પાસે ફસાવ્યા હતા.
  • ડ્રગ્સની ધમકી: “ડ્રગ્સ કેસમાં ફસાવી દઈશું” કહી નકલી પોલીસે યુનિટી બેંકમાંથી ₹6 લાખ ઉપડાવ્યા.
  • ટેકનિકલ તપાસ: સીસીટીવી ફૂટેજ અને સીડીઆર (CDR) ના આધારે આરોપીઓના સગડ મેળવતી પોલીસ.

વડોદરા: વડોદરામાં ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક તબીબ પાસેથી ₹6.10 લાખની ખંડણી પડાવવાના હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ હજુ સુધી ખાલી હાથે છે. ફરિયાદ નોંધાયાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં, હનીટ્રેપ ગોઠવનાર કૃપાલી પટેલ અને તેના સાગરિતો પોલીસના હાથમાં આવ્યા નથી.

શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદની કૃપાલી પટેલ નામની યુવતીએ આયોજનબદ્ધ રીતે તબીબને સયાજીપુરા હાઈવે પર નાસ્તો કરવાના બહાને બોલાવ્યા હતા. ત્યાંથી તેમને કેનાલ તરફ લઈ ગયા બાદ પૂર્વયોજિત કાવતરા મુજબ નકલી પોલીસ બનીને આવેલા શખ્સોએ તબીબને ઘેરી લીધા હતા. આરોપીઓએ તબીબને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન કૃપાલીએ આત્મહત્યાનો ઢોંગ કરી કેસ દબાવી દેવા માટે મોટી રકમની માંગણી કરી હતી.

🧐બેંકમાં જઈને નાણાં પડાવ્યા:

ભયભીત થયેલા તબીબ સમાધાન માટે તૈયાર થતા આરોપીઓ તેમને અલકાપુરી સ્થિત યુનિટી બેંક પર લઈ ગયા હતા. ત્યાં તબીબના ખાતામાંથી ₹6 લાખ ઉપડાવી ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ મામલે તબીબે કપૂરાઈ પોલીસ મથકે કૃપાલી પટેલ, મહાદેવભાઈ, પ્રકાશ પટેલ અને અન્ય પાંચ અજાણ્યા શખ્સો સામે છેતરપિંડી અને ખંડણીની ફરિયાદ નોંધાવી છે.

🚨પોલીસ તપાસનો ધમધમાટ:

તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીઓના કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) મેળવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંકના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓના ચહેરા સ્પષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સ્ટેટ ક્રાઈમ બ્યુરો, ગાંધીનગરની મદદથી આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

🫵હવે જોવાનું એ રહેશે કે હાઈવે પર જાળ બિછાવીને નિર્દોષોને લૂંટતી આ હનીટ્રેપ ગેંગ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે.

Trending

Exit mobile version