વડોદરા: શહેરના પોશ ગણાતા સેવાસી-ભાયલી રોડ પર બાળકોના જીવ સાથે અડપલાં કરનારા બે સ્કૂલ વેન ચાલકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. હવામાં વાતો કરતી વેન ચલાવી રેસ લગાવતા આ ડ્રાઈવરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વડોદરા તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી છે.
❓શું હતી સમગ્ર ઘટના
થોડા દિવસો પહેલા સેવાસી-ભાયલી રોડ પર બે સ્કૂલ વેન ચાલકો વચ્ચે ફિલ્મી સ્ટાઈલમાં રેસ જામી હતી. રસ્તા પર અન્ય વાહનોની અવરજવર હોવા છતાં, આ ચાલકો ગફલતભરી રીતે અને પૂરપાટ ઝડપે વાહનો હંકારી રહ્યા હતા. કોઈ જાગૃત નાગરિકે આ જોખમી રેસનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેનાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
🚨 પોલીસની કડક કાર્યવાહી અને ધરપકડ
વાયરલ વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈ વડોદરા તાલુકા પોલીસ એક્શનમાં આવી હતી. જ્યારે ટ્રાફિક પોલીસ ઊંઘતી ઝડપાઈ,જે કામ ટ્રાફિક પોલીસે કરવું જોઈતું એ કામ અહીં તાલુકા પોલીસે તપાસ કરીને બંને વેન ચાલકોની ઓળખ કરી તેમની ધરપકડ કરી છે:
- જગદીશ પરમાર
- ખુમાનસિંહ મકવાણા
જ્યારે પોલીસે વચ્ચે રસ્તે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું માત્ર જેલના સળિયા પાછળ ધકેલવાને બદલે, અન્ય ચાલકો માટે ઉદાહરણ પૂરું પાડવા પોલીસે અનોખી રીતે પાઠ ભણાવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસે જાહેરમાં કાન પકડીને ઉઠક-બેઠક કરાવી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે માફી મંગાવી હતી. રસ્તા પર જોખમી ડ્રાઇવિંગ કરનારા તત્વો માટે પોલીસે આ રીતે કડક મેસેજ આપ્યો છે.
➡️ વાલીઓની ચિંતા અને પોલીસની અપીલ
આ ઘટના બાદ વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે જેમના ભરોસે તેઓ બાળકોને શાળાએ મોકલે છે, તે ચાલકો જ બાળકોના જીવ જોખમમાં મૂકે છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સ્કૂલ વર્ધીના વાહનોમાં ટ્રાફિક નિયમોના ભંગ કે જોખમી ડ્રાઇવિંગ ચલાવી લેવામાં આવશે નહીં.