જૈસે થે સ્થિતિ:લહેરીપુરા દરવાજા પાસે પથારાવાળા અને લારી-ગલ્લાના કારણે રસ્તાઓ ફરી સાંકડા બન્યા.
મોટું જોખમ:પ્રચંડ ટ્રાફિકને કારણે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પસાર થવી અશક્ય, મોટી હોનારતની ભીતિ.
જનતાનો સવાલ: શું પાલિકા પાસે દબાણોના કાયમી નિકાલ માટે કોઈ નક્કર આયોજન છે ખરું?
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા શહેરને ચકાચક બનાવવા ‘વન ડે – વન રોડ’ અભિયાનનો જોરશોરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ શુક્રવારે વોર્ડ નંબર 14 ના લહેરીપુરા દરવાજા અને એમ.જી. રોડ જેવા અતિ વ્યસ્ત વિસ્તારોમાં આ અભિયાન માત્ર એક ‘શો-બાજી’ સાબિત થયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
🧐ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ વણસી:
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, પાલિકાની ટીમ સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી કરીને જાય તેના ગણતરીના કલાકોમાં જ રસ્તાઓ પર ફરીથી દબાણો ખડકાઈ જાય છે. લહેરીપુરાથી ન્યાય મંદિર સુધીના માર્ગો પર પથારાવાળા, લારી-ગલ્લા અને રિક્ષાચાલકોનો એવો જમાવડો જોવા મળે છે કે જાણે પાલિકાએ કોઈ કામગીરી જ ન કરી હોય! આડેધડ પાર્કિંગને કારણે સવારથી સાંજ સુધી ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે.
🚨ઇમરજન્સી સેવાઓ માટે લાલબત્તી:
શહેરના મધ્યમાં આવેલા આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા એટલી ગંભીર બની છે કે સામાન્ય નાગરિકોનું ચાલવું પણ મુશ્કેલ છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે જો આ વિસ્તારમાં કોઈ આકસ્મિક આગ લાગે કે તબીબી કટોકટી સર્જાય, તો એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહનો પસાર થઈ શકે તેમ નથી. લોકો પૂછી રહ્યા છે કે શું પાલિકા તંત્ર કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે?
🗣️સ્માર્ટ સિટી માત્ર નામનું?
વડોદરાને સાચા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે જનતાની માંગ છે કે માત્ર રસ્તા સાફ કરવાથી કે ફોટા પડાવવાથી કંઈ નહીં વળે. પાલિકાએ સંતોષ માની બેસી રહેવાને બદલે દબાણોના કાયમી નિકાલ માટે કડક અમલીકરણ અને સતત મોનિટરિંગ કરવું જોઈએ. માત્ર અભિયાન ચલાવવાને બદલે જો કાયમી અને કડક કાર્યવાહી કરવામાં આવે તો જ જનતાને ટ્રાફિકના નરકમાંથી મુક્તિ મળી શકે તેમ છે.
🫵હવે જોવાનું એ રહેશે કે પાલિકા કમિશનર આ ગંભીર બેદરકારી સામે કોઈ કડક પગલાં ભરે છે કે પછી ‘વન ડે વન રોડ’ અભિયાન માત્ર કાગળ પર જ દોડતું રહેશે.