વડોદરા જિલ્લા કલેક્ટર ડો. ધામેલિયાએ જણાવ્યું કે, જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું જોઇએ
- વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરીએ મહત્વની બેઠક મળી
- જ્યારે જિલ્લાના ધારાસભ્યોએ અનેકવિધ મુદ્દે વિગતવાર રજુઆત કરી
- આ બેઠકમાં વિવિધ વિષયોની સમીક્ષા પણ કરવામાં આવી
આજે લોક પ્રતિનિધિના પ્રશ્નોનું સમયસર સમાધાન લાવવા માટે શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. આજે શનિવારે વડોદરાની કલેક્ટર કચેરીમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ એક કરતા વધુ વિગતોને સ્પર્શતા પ્રશ્નોનો નિકાલ વિભાગીય સંકલનથી કરવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
જ્યારે સમગ્ર બેઠક અંગે વડોદરાના જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું જોઇએ. સામુદાયિક વિકાસના કામોને અગ્રતા આપી યોજનાકીય બાબતોના અમલીકરણમાં લક્ષ્ય આપવું જોઇએ. જેથી લોકોની સમસ્યા હલ થઇ શકે છે.
આ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, પાદરાના ધારાસભ્ય અક્ષયભાઇ પટેલ, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાણી, વીજળી, આરોગ્ય, સફાઇ, માર્ગો, ઘરથાળના પ્લોટ, રેલ્વે સહિતની બાબતોની રજૂઆત કરવામાં આવી હતી.
આ સંકલન સમિતિની બેઠકમાં પેન્શન, ખાતાકીય તપાસ, સરકારી નાણાની વસુલાત સહિતના વિષયોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પ્રજાપતિ, અધિક કલેક્ટર હિમાંશુ પારેખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.