આશરે 10 મહિના પહેલા, આરોપી અશોક પરમારે પડોશમાં રહેતી 16 વર્ષની સગીરાની એકલતાનો લાભ ઉઠાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ગભરાયેલી દીકરીએ હિંમત ભેગી કરી તેના માતા-પિતાને આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળીને પરિવારે તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
ગોરવા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ તથા દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
📋 કોર્ટનો ચુકાદો:
આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી, માનનીય ન્યાયાધીશે આરોપી અશોક પરમારને કસૂરવાર ઠેરવ્યો હતો. 24 ડિસેમ્બરના રોજ કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને દંડની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે પીડિતાને આર્થિક વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.
“દીકરીએ હિંમત બતાવી અને પોલીસે ઝડપી કાર્યવાહી કરી, જેના પરિણામે માત્ર 8-10 મહિનામાં જ નરાધમને તેના પાપની સજા મળી છે.”